હત્યા:ગોંડલ પાસે જામવાડી આૈદ્યોગિક વિસ્તાર ખાડિયામાં યુવાનની હત્યા

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હત્યા સ્થળે પોલીસે તપાસ શરૂ કરી - Divya Bhaskar
હત્યા સ્થળે પોલીસે તપાસ શરૂ કરી
  • રખડતું ભટકતું જીવન જીવતા યુવાનની લાશ પડી હોવાની બાતમી પરથી પોલીસ દોડી
  • ઘટનાસ્થળે લોહીવાળો પથ્થર મળ્યો, માથાના ભાગે ગંભીર ઇજાથી મોતનું પ્રાથમિક તારણ

ગોંડલ નજીક ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસી ખાડિયા જતાં કાચા માર્ગ પર રખડતું ભટકતું જીવન જીવતા યુવાનની લાશ કનૈયા હોટલ પાછળ પડી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. લાશનો કબજો લઇ માથાના ભાગે ગંભીર ઇજાના લીધે મોત થયાના પ્રાથમિક તારણ પરથી પોલીસે તપાસ આગળ ચલાવી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.

બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ખાડિયા વિસ્તારમાં રખડતું ભટકતું જીવન જીવતા મનુભાઈ મનુભાઈ ઓડવીયા (ઉંમર વર્ષ 40) ના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોય જેની હત્યા થયાની જાણ થતાં સિટી પી.આઈ સંગાડા, હેડ કોન્સ્ટેબલ જયદીપ સિંહ ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

મનુભાઈની સાથે સાંજના કિશન નામનો તેનો મિત્ર હાજર હતો. હાલ કિશન ક્યાં છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા જેમાં ચર્ચા થવા લાગી હતી કે ખાડિયાના આ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોય છે.

મોટાભાગના નશેડીઓનો જમાવડો સાંજના સુમારે આ કાચા માર્ગ પર રહેતો હોય દારૂ પીવા અંગે અવાર નવાર ઝઘડાઓ થતા હોય છે ત્યારે આ ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો કે બીજું કંઈ ? તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઉપરાંત પોલીસે મૃતકને અન્ય કોઇ વ્યક્તિ સાથે જૂની માથાકૂટ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. તેમજ મૃતકના મોબાઇલ પરથી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસ શરૂ કર્યા છે.

પત્ની રિસામણે ચાલી ગઇ છે
જેમની હત્યા થઇ છે તે મનુભાઈ પરિણીત હતા અને સંતાનમાં બે દીકરા છે તેમજ પત્ની રીસામણે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હત્યાના ઘટનાસ્થળ પર લોહીના નિશાન તેમજ લોહીવાળો પથ્થર જોવા મળ્યો છે. આથી પોલીસ પણ કોઇ બાબતે માથાકૂટ થયા બાદ યુવાનની હત્યા કરાઇ હોવાના તારણ પર આગળ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...