આખલાની અડફેટે માતા અને પુત્રી:ગોંડલની હરભોલે સોસાયટીમાં માતા, પુત્રીને આખલાએ ઢીંકે ચડાવ્યા

ગોંડલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગપાળા જઇ રહ્યા હતા: માતાની હાલત ગંભીર, રાજકોટ સિવિલમાં ખસેડાઇ

ગોંડલ હરભોલે સોસાયટીમાં સાંજના માતા અને તેની માસૂમ પુત્રી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે એક ભુરાયા થયેલા આખલાએ અડફેટે લેતા બૂમાબૂમ બચી જવા પામી હતી. મહિલા ગંભીર રીતે ઘવાતાં તેને પ્રાથમિક સારવાર ગોંડલની સિવિલ હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને જાણ કરી હતી.

ભગવતપરાની હરભોલે સોસાયટીમાં રહેતા કોમલબેન વિનુભાઈ મટારિયા ઉંમર વર્ષ 25 અને તેની માસૂમ પુત્રી સાંજના પાંચેક વાગ્યે શેરીમાં પગપાળા ચાલીને જઇ રહ્યા હતા ત્યારે અચાનક આવી ચડેલા આખલાએ અડફેટે લેતા શેરીમાં બૂમાબૂમ બચી ગઈ હતી.

બનાવના પગલે લોકો એકઠાં થઈ જતા કોમલબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને તેમના સ્નેહીજનોએ જણાવ્યું હતું કે, કોમલબેન કોમામાં સરી પડ્યા છે અને હાલ તેઓ કોઈને ઓળખી શકતા નથી. બનાવના પગલે સ્થાનિક લોકોએ પાલિકાના સદસ્યને ઘટના અંગે જાણ કરી હતી.

ગત રોજ જ પંચનાથ સોસાયટીમાં રહેતી મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ ધસી ગયું હતું. અને આખલા અને શ્વાનના ત્રાસ અંગેની રજૂઆત પણ કરી હતી. હજી તેને ગણતરીની કલાકો પણ વીતી નથી, ત્યાં હરભોલે સોસાયટીમાં આખલાએ માતા-પુત્રીને ઠોકરે લેવાની ઘટના બની છે. દસ દિવસ પહેલાં ઘોઘાવદર રોડ પર બાઈક પર જઈ રહેલા દંપતી આડે આખલો આવી ચડતા સર્જાયેલા અકસ્માતમાં વાછરા ગામના યુવાનનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...