ઉપાર્જનનો સુગમ સ્ત્રોત:ઉમરાળીમાં વીજળીની ‘ખેતી’ થકી ખેડૂતને લાખોની કમાણી

ગોંડલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર વહેલી તકે સબસિડી સહિતની સુવિધાઓ ફરી શરૂ કરે તો ગામેગામ અનેક પ્લાન્ટ શરૂ થવાની શક્યતા

ખેતીનું નામ પડેને આપણને લહેરાતા લીલાછમ પાક યાદ આવે. આપણે ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરી ખેત ઉત્પાદન કરતા હોઇએ છે.જો કે આજે અમે તમને વાત કરવાના છીએ વીજળીની ખેતીની. સાંભળીને નવાઈ ચોક્કસ લાગશે, પરંતુ જેતપુર તાલુકાના ઉમરાળી ગામમાં ખેતરમાં અનેક ગામોને વીજળી પૂરી થઈ શકે એટલી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.

વીજળી વગર પરેશાન થતા ખેડૂતો સમસ્યા તો તમે અનેકવાર સાંભળી હશે પરંતુ ઉમરાળી ગામના સીમ વિસ્તારમાં વીજળીની ખેતી કરવામાં આવી રહી છે.બાર વિઘા જમીન માં વિશાળ સોલાર પ્લાન્ટ ઉભો કરાયો છે. બે મેગાવોટનો આ સોલાર પ્લાન્ટ છે. સૂર્યમાંથી વીજળી ઉત્પન્ન કરાય છે જેને નજીકના પીજીવીસીએલના સબ સ્ટેશન પર મોકલાય છે.

આ સોલાર પ્લાન્ટ માં દરરોજની 1200 યુનિટ વીજળી જનરેટ થાય છે એવરેજ એક મહિનામાં ત્રણ લાખ સાઈઠ હજાર યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. દર મહિને આશરે ૧૫ લાખ રૂપિયાનો ફાયદો થતો હોવાની વાત આ પ્લાન્ટ સ્થાપનાર ખેતરના માલિક દિલીપભાઈ મારકણા અને કર્મચારી વિશાલ વઘાસિયા કરી રહ્યા છે. વર્ષ દરમિયાન સવા કરોડથી વધુ રૂપિયાનો ફાયદો આ વીજળી ઉત્પન્ન કરી કરવામાં આવે છે. અહીં ઉત્પન્ન થતી વીજળી અનેક ગામોમાં પૂરી પાડી શકાય એટલા યુનિટ જનરેટ થાય છે.

સોલાર પ્લાન્ટથી કોલસાની ખાધ પૂરાઇ જાય
હાલમાં સરકાર દ્વારા સબસીડી બંધ કરી દેવામાં આવી છે તેથી અનેક લોકો પ્લાન્ટ સ્થાપી શક્યા નથી જો સબસિડીનો લાભ મળે તો મોટી સંખ્યામાં આવા પ્લાન્ટ લોકો સ્થાપી શકે છે જેથી ઘટતી વીજળીની સમસ્યા પણ નિવારી શકાય છે, આ ઉપરાંત ખેડૂતોને જે કોલસાની કમીના કારણે જે વીજ સમસ્યાનો સામનો કરવો પડે છે . એમાંથી પણ મુક્તિ મળી શકે.

ઉમરાળીમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે 360 કરતાં પણ વધુ સોલાર પેનલ લગાવાઇ
ઉમરાડી ગામમાં આ પ્લાન્ટ થોડા સમય પહેલા રૂ. 10 કરોડનાં ખર્ચે સ્થપાયો હતો. જેમાં 360 કરતાં પણ વધુ સોલાર પેનલ લાગેલી છે. બે એન્જિનિયર સહિત પાંચ લોકોનો સ્ટાફ કામ કરે છે. સામાન્ય રીતે આ પ્લાન્ટ મોટો હોવા છતાં નહિવત લોકો પર જ ચાલતો હોય છે. આ પ્લાન્ટમાં વીજળીનું સારું ઉત્પાદન મળી રહે એટલા માટે દર 3 દિવસે સોલાર પેનલો ધોવામાં આવતી હોય છે. રોકાણકારને બિલકુલ સમય આપવો પડતો નથી. ઉપરાંત વેરેંટેજ પણ નહિવત હોય છે. અલગ અલગ બે ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે, ઉત્પન્ન થતી વીજળી નજીકના સબસ્ટેશનમાં પહોંચાડવામાં આવે છે.

સરકારના પ્રોત્સાહનની ખાસ જરૂર
એક તરફ સરકાર કોલસો બાળીને વીજળી ઉત્પન્ન કરે છે. લાખો રૂપિયાનું આંધણ કરી વીજળીનું ઉત્પાદન સરકાર મેળવે છે તો બીજી તરફ કેટલાક રોકાણકારો રૂપિયા રોકીને વીજળી ઉત્પાદન કરવા તૈયાર છે. આવા સમયે જ સરકારે સોલાર પ્લાન્ટ માટેની સબસીડી બંધ કરી દીધી છે.જો સરકાર સબસીડી ચાલુ કરે તો બધાને ફાયદો થઈ શકે છે તેમ રોકાણકારોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...