ગીતાબા જાડેજાની રાજકીય સફર:પતિ કાનુની વિવાદમાં સપડાતા જીવનમાં પલટાવ આવ્યો; ગોંડલ રાજકારણમાં પ્રથમ મહિલા ધારાસભ્ય થવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો

ગોંડલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સદાય સંવેદનશીલ ગણાતા ગોંડલના ધારાસભ્ય તરીકે 5 વર્ષ યશસ્વી રીતે પૂર્ણ કરી ફરી ચૂંટણી લડી રહેલા ગીતાબા જયરાજસિંહ જાડેજાએ ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્ય બનવાનો યશ મેળવ્યો છે. જેનો ક્રાઇમ રેઇટ હમેંશા ઊંચો રહ્યો છે. ગોંડલમાં કાયદો વ્યવસ્થાથી લઈ વિકાસ સુધીની તેમની કારકિર્દી યશસ્વી રહી છે. ગોંડલને કોંગ્રેસ મુક્ત બનાવવાનો જશ પણ ગીતાબા જાડેજાના ફાળે જાય છે. ત્યારે ગોંડલ બેઠક માટે તેઓ ફરી રિપીટ થતા ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગીતાબા જાડેજા આશાપુરા માતાજીના પરમ ઉપાસક છે
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભડવાણામાં તા. 27/03/1968ના રોજ જન્મેલા ગીતાબાએ ગોંડલની રાજકુંવરબા ગર્લ્સ હોસ્ટેલમાં રહીં મોંઘીબા ગર્લ્સ સ્કુલમાં SSC સુધીનો અભ્યાસ કર્યા હતો. તા. 18/05/1990માં તેમના લગ્ન જયરાજસિંહ જાડેજા સાથે થયા હતા. બે પુત્રીઓ તથા એક પુત્રની માતા ગીતાબા સ્વભાવે ધાર્મિક પ્રકૃતિના છે. વહેલી સવારે 4 વાગ્યાથી તેમનું ધર્મકાર્ય અને ગૃહસ્થી શરુ થઈ જાય છે. તેઓ આશાપુરા માતાજીના પરમ ઉપાસક છે. તેમના પતિ જયરાજસિંહ ધારાસભ્ય હતા, ત્યારે પણ ગીતાબા ક્યારેય જાહેરજીવનમાં આવ્યા નથી. જયરાજસિંહ સમાજસેવામાં પ્રવૃત્ત રહેતા, તો ગીતાબા ઘર ગૃહસ્થીમાં મશગુલ હતા. ત્રણેય સંતાનોને ઉચ્ચ સંસ્કાર અને શિક્ષણ આપવા તેઓ વ્યસ્ત રહેતા હતા.

ગોંડલ રાજકારણમાં પ્રથમ મહિલા ધારાસભ્ય થવાનો રેકોર્ડ
જયરાજસિંહ જાડેજા કાનુની વિવાદમાં સપડાતા ગીતાબાના જીવનમાં પલટાવ આવ્યો અને એક ગૃહિણી ગૃહ છોડી છેવાડાના માનવી સુધી દોડતા બન્યા. 2017ની વિધાનસભા ચૂંટણી સમયે જયરાજસિંહ જાડેજા કાનુની મુદ્દે ઘેરાયા હોય ભાજપ દ્વારા તેમના પત્ની ગીતાબાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા અને ગીતાબાએ ચૂંટણીમાં 15 હજાર 397 મતની લીડથી વિજેતા બની પસંદગીને સાર્થક બનાવી હતી. ગોંડલના રાજકારણમાં પ્રથમ મહિલા ધારાસભ્ય થવાનો રેકોર્ડ પણ કાયમ કર્યો હતો.

5 વર્ષના શાસનકાળ દરમિયાન વિકાસના કામો કર્યા
ધારાસભ્ય ગીતાબા જાડેજાએ તેમના 5 વર્ષના શાસનકાળમાં વિકાસના અનેક કાર્યો કરી ગોંડલને સૌરાષ્ટ્રનું પેરીસ બનાવ્યુ એ હકીકત છે. સૌની યોજના અંતર્ગત ભર ઉનાળે એક નહીં પણ ત્રણ ત્રણ ઉનાળામા શહેરની મુખ્ય જીવાદોરી સમા વેરીતળાવને છલકાવી શહેરની જળસમસ્યા દુર કરી છે.

કોંગ્રેસ મુક્ત બનાવવાનું બહુમાન પણ ગીતાબાના ફાળે
હાલ રૂ. 8 કરોડના ખર્ચે વોટર સ્ટોરેજનું કામ ગતીમાન છે. શહેરમાં 80% સીસી રોડ અને આધુનિક ફુટપાથ દ્વારા શહેરને આગવી ઓળખ અપાવી છે. નગર પાલીકા, તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતની બેઠકો પર ભાજપને પૂર્ણ બહુમત અપાવી ગોંડલને કોંગ્રેસ મુક્ત બનાવવાનું બહુમાન પણ ગીતાબાના ફાળે જાય છે. મનરેગા યોજના અંતર્ગત હજારો લોકોને રોજી રોટી મળે તેવી કામગીરી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રશંસનીય કામગીરી દાખવી છે.

ફરી રિપીટ થતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ
સતત કાર્યશીલ અને કાર્યરત રહી લોકોમાં આધુનિક ગોંડલના ઘડવૈયા તરીકેની ઉપમા ગીતાબા જાડેજાએ હાંસલ કરી છે. ગોંડલ બેઠક માટે તેઓ ફરી રિપીટ થતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...