બેદરકારી:ખોટ કરતા ST તંત્રની શાહુકારી, મુસાફરી પણ કરાવી બાદમાં બસ કેન્સલ થયાના મેસેજ કરી પૈસા પરત કર્યા!

ગોંડલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ ડેપોની મંડોર-ગોંડલ ટ્રિપ નિયત સમયે જ સંચાલિત થવા છતાં કર્મીની બેદરકારીના લીધે એસટીને નુકસાન
  • ડેપો મેનેજર કહે છે આવું કશું બન્યું નથી, બીજી તરફ ઉતારૂઓને પૈસા ચૂકવાયા, મુસાફરો લઇ ગયા તેના પુરાવા પણ છે

ગોંડલમાં પીજીવીસીએલ તંત્ર દ્વારા છેલ્લા સાત સાત માસથી શહેરની સોસાયટીઓમાં અને વાડી ખેતરમાં વીજ બીલ આપવામાં જ ન આવતા હોવાની ઘટનાઓ સામે આવ્યા બાદ હવે છબરડાં વાળવામાં એસટી નિગમે પણ ઝુકાવ્યું છે અને જે બસ નિયત સમયે સંચાલિત થઇ હોય, તેમાં ઉતારુઓએ મુસાફરી પણ કરી હોય, તે બધાને બાદમાં એવા મેસેજ મોકલાયા કે તમારી બસ રદ થઇ છે.

આથી નાણાં પરત મેળવી લેવા. ખોટનો ધંધો કરતી એસટીની આવી શાહુકારીનો લાભ તો કોણ ન ઉઠાવે? 40 જેટલા ઉતારૂઓ મેસેજ બતાવીને પૈસા પરત પણ લઇ ગયા અને આ આંક રૂ. 7000 નજીક પહોંચી ગયો છે. શહેરના જાગૃત આગેવાને પુરાવા સાથે આ બાબતે તંત્રને જાણ કરતાં હવે જોવાનું એ રહે કે તંત્ર આ જવાબદારી કોના પર ઢોળી દે છે!

ખોટ કરતા ગોંડલ એસટી તંત્રની ગંભીર બેદારકારીનો પર્દાફાશ કરતા શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તા.૯ મે ને સોમવારના રોજ ગોંડલ ડેપોની બસ મંડોરથી ગોંડલ કે જે સાંજે ૪:૩૦ કલાકે ઉપડે છે. જે તેના નિયત સમય મુજબ જ સંચાલિત થઇ હતી, પરંતુ બાદમાં તંત્રની બેદરકારીના કારણે તમામ મુસાફરોને મેસેજ ગયો કે આપની બસ કેન્સલ થઇ છે અને પૂરતા નાણાં જે તે કાઉન્ટર પરથી પરત મેળવી લેવા. જે અનુસંધાને આશરે 40 થી વધુ મુસાફરોએ મુસાફરી કરી લીધા બાદ પણ તમામ નાણાં પરત લઈ લેતા એસટીને આશરે 7000 આસપાસની ખોટ ગઇ છે.

હવે મુદો એ છે કે એસટી નિગમ આ ચુકવણું ક્યા આધારે કર્યું તેમાં શું ગણાવશે? સામાન્ય રીતે કંડક્ટરથી મામૂલી રકમ ઓછી ભરપાઇ કરવામાં આવે કે ગોટાળો થાય તો બદલી સહિતના આકરા કદમ ઉઠાવતું નિગમ આ બારામાં ક્યું વલણ અપનાવશે?

આવી કોઇ ઘટના ગોંડલ ડેપોમાં બની નથી
આવી કોઈ ઘટના ગોંડલ એસટી ડેપોમાં બની નથી, તેમ છતાં જો મુસાફરોને રિફંડના પૈસા મળ્યા હોય અને ચુકવાયા હોય તો મારે પણ ચેક કરાવવું પડશે અને જે તથ્ય હશે તે સામે લવાશે. - જી.આર.અગ્રાવત, ડેપો મેનેજર, ગોંડલ

મુસાફરોએ એસટી નિગમની મજાક ઉડાવી
કુલદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ડેપો મેનેજર ભલે આ બાબતનો સ્વીકાર ન કરી રહ્યા હોય, પરંતુ આવું બન્યું છે એ હકીકત છે, તેઓ શા માટે નરો વા કુંજરો વાની નીતિ અખત્યાર કરી રહ્યા છે તે નથી સમજાતું. બધા મુસાફરોને મેસેજ ગયા જ છે અને મોટાભાગનાઓએ પૈસા પરત મેળવી પણ લીધા છે. એસટી નિગમે 7,000ની ચૂકવણી તો કરી દીધી છે એ હકીકત છે. જોવાનું એ છે કે ખોટ ખાતું નિગમ જવાબદાર કર્મીને શોધી જવાબદારી ફિક્સ કરી પગલાં લેશે કે કેમ તે મુદે આગામી સમયમાં વિવાદ થવાની શક્યતા નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...