અણઘડ વહીવટનો વધુ એક દાખલો:કાલમેઘડા એસટી રૂટ બંધ કરાતાં બસ રોકો આંદોલન છેડવા ચીમકી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલમેઘડા, અનિડા વાછરા, ખરેડી સહિતના ગામલોકોમાં રોષ
  • વર્ષો જૂનો બસ રૂટ ડ્રાઈવરોની મનમાનીના કારણે બંધ કરી દેવાયો

ગોંડલ એસટી ડેપોના અણઘડ વહીવટનો વધુ એક દાખલો બહાર આવ્યો છે અને વર્ષોથી ચાલતી અને નફો રળી આપતી તેમજ ગ્રામ્ય વિસ્તારો માટે અત્યંત ઉપયોગી એવો બસ રૂટ કોઇ પણ જાતના વાજબી કારણ વગર બંધ કરી દેવાતાં આ રૂટમાં આવતા ગામના લોકો અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી ફરી વળી છે અને આગેવાનોએ આ અંગે ગામના સરપંચોનને રજૂઆત કરી હતી, અને હવે જો ડેપો મેનેજર ડ્રાયવરોની મનમાનીના લીધે બંધ કરાયેલી બસ ફરી શરૂ કરવાનો નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં બસ રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

ગોંડલ ડેપોની વર્ષો જૂની બસ ગોંડલ દડવી જે વાયા કોલીથડ કાલમેઘડા ખરેડી થઈને ચાલતી તે છેલ્લા ઘણા સમય થી બંધ કરી દેવાતા લોકોમાં રોષ ફેલાયો છે. આ રૂટ દરમિયાન ૧૨ થી વધુ ગામો આવતા હોય ગામોના લોકોને અનુકૂળ બસ છે, અને સ્કૂલ કોલેજમા જતાં વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો માટે માત્ર આ એક જ બસ અપડાઉન માટે અનુકૂળ હોવા છતાં તંત્ર દ્વારા બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભારે હાલાકીનો નો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં જણાવ્યુ હતું કે આ બસ બંધ કરવાનું કારણ માત્ર તેમાં ચાલતા ડ્રાઈવરની મનમાની છે કે જેઓ તે રૂટ સદંતર બંધ કરવા માંગતા હતા. જેથી છેલ્લા ઘણા સમય થી આ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે.

અવાર-નવાર રજૂઆત કરવા છતાં એસટી તંત્ર દ્વારા કોઈ જ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. માટે આગામી દિવસોમાં ગોંડલ દડવી વાયા કાલમેઘડા રૂટ ફરી શરૂ નહીં કરાય તો વિદ્યાર્થીઓઓનું ભણતર ન બગડે તે માટે ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે બસ રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેમ કાલમેઘડા, અનિડા વાછરા, માખાકરોડ અને ખરેડી ગ્રામપંચાયતના સરપંચ દ્વારા લેખિતમાં ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...