ધીરજનો અભાવ:ગોંડલ પંથકમાં આપઘાતના બનાવમાં વધારો, છેલ્લા 18 દિવસમાં 15 વ્યક્તિએ દુનિયા છોડી

ગોંડલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક ભીંસથી જીવન ટૂંકાવી દેનારા હતાશ યુવાનોની વધતી સંખ્યા સમાજ માટે લાલબત્તી સમાન

ગોંડલ શહેર અને પંથકમાં છેલ્લા થોડા સમયથી આપઘાત કરી જીવન ટૂંકાવી લેવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે અને પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો જોઇએ તો 18 દિવસમાં 2 મહિલા અને 1 તરૂણ સહિત કુલ 15 વ્યક્તિએ જીવનનો અંત આણી લીધો તો એક યુવાનને તેની પૂર્વ પત્નીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટોણો મારતાં લાગી આવતાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આના પરથી એક બાબત એ ફલિત થાય કે યુવાનોમાં પ્રેમમાં નિષ્ફળતા કે લગ્ન સંબંધમાં લાગણીનો અભાવ કે પછી આર્થિક ભીંસની બાબતમાં ધીરજથી કામ લેવાની આવડતનો અભાવ જોવા મળી રહ્યો છે.

જીવનને દીર્ઘદ્રષ્ટિથી જોવાને બદલે નાની એવી બાબતમાં લાગી આવતાં ફાંસો ખાઇ લેવાના બનાવમાં વધારો થતાં સમગ્ર સમાજ માટે આ બાબત ચિંતાજનક બની રહી છે. જો કે આવી ઘટના રોકવા શું થઇ શકે તે બાબતે સમાજે અને વાલીઓએ આત્મમંથન કરવાની જરૂર જણાઇ ખરી.

પંથકમાં આપઘાતના બનેલા બનાવો તવારીખ જોઇએ તો 19 જુલાઇથી આવા બનાવોનો જાણે સિલસિલો બની ગયા અને જામવાડી જીઆઇડીસીમાં રહેતા પરિવારના ધો.12માં ભણતા પુત્રે આપઘાત કરી લીધા બાદ આવા બનાવો વધતાં ગયા અને બીમારીથી કંટાળી મોત માગી લેવાના બે બનાવ, આર્થિક સંકડામણ કે બેકારીથી મોત માગી લેવાના ચાર થી વધુ બનાવ સામે આવ્યા હતા તો વળી એક પરિણીતાના એક લગ્ન તૂટી ગયા બાદ બીજા લગ્નના મહિનામાં આપઘાત કરી જીંદગીને અલવિદા કરી દીધી.

લોકો આપઘાત કરે છે તેનાં કારણો
10 વર્ષમાં 15 થી 24 વર્ષના યુવાનોમાં આપઘાતનું પ્રમાણ 200 ટકા વધ્યું છે. જે ચિંતાજનક ગણી શકાય. થોડા સમય પહેલાં એવું માનવામાં આવતું કે માત્ર આર્થિક ભીંસથી યુવાનો આત્મહત્યા કરવા પ્રેરાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કરાયેલા અભ્યાસથી જાણવા મળ્યું છે કે પારિવારિક કારણો પણ જવાબદાર હોય છે. કોઇ વ્યક્તિ રાતોરાત મરવાનો વિચાર નથી કરતી. તે સમાજને, પાર્ટનરને, મિત્રોને સંકેત આપે જ છે.

આથી જો એ વ્યક્તિની બદલાયેલી હરકતો પર નજર રાખવામાં આવે અને તેને સમયસર સમજાવવામાં આવે તો મહામૂલી જિંદગીને રફેદફે કરી દેતાં જરૂર અટકાવી શકાય. યુવાનો જ્યારે લાગણી પર કાબુ નથી મેળવી શકતા ત્યારે પણ આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. અને અપરિપક્વતાને લીધે મોતનો માર્ગ પસંદ કરી લે છે. આવા સંજોગોમાં મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરવો જોઇએ. > ડો.યોગેશ જોગસણ, અધ્યક્ષ મનોવિજ્ઞાન ભવન, સૌ. યુનિ.

અન્ય સમાચારો પણ છે...