અનૈતિક સબંધો અનેક વખત કરૂણ અંજામ આપે છે. ત્યારે સુરતની વિધવા મહિલાને ઘરમાં બેસાડવાની લાલચ આપી જામજોધપુરના શખ્સે સૌરાષ્ટ્રમાં જુદા-જુદા સ્થળે ફેરવ્યા બાદ મહિલાના બાળકનું અપહરણ કરી આરોપી નાશી ગયાની આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મોબાઈલની કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલના મોટાદડવા ગામે વાડીમાં રહી ખેત મજુરી કરતી મુળ ઉત્તર પ્રદેશની શમા પરવીન મોહમ્મદ મંસુર પઠાણ (ઉ.વ.32) એ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે મુળ જામનગરના જામજોધપુર તાલુકાના સતાપર ગામે રહેતા સંજય રણમલ સિંહોરાનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતિના 11 વર્ષ પહેલા સાજીદ સાથે લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન બે સંતાનની પ્રાપ્તી થઈ હતી. યુવતિ લગ્ન બાદ પતિ સાથે સુરત રહેવા આવતી રહી હતી. બાદમાં પતિ ક્યાંક જતો રહ્યા બાદ તેનું મૃત્યુ થયું હોવાના ફરિયાદી યુવતિને સમાચાર મળ્યા હતા.
સુરતની એક કંપનીમાં મજુરી કામ કરતી યુવતિને સંજય સિંહોરા સાથે ઓળખાણ થયા બાદ પત્ની તરીકે ઘરમાં બેસાડવાની વાત કરી યુવતિને બે બાળકો સાથે સૌરાષ્ટ્રમાં લઈ આવ્યો હતો. ચોટીલા, ગોંડલ, મેંદરડા, મોરબી સહિતના સ્થળોએ ફેરવ્યા બાદ તા. 12-11-22ના મોટા દડવા ગામે વિપુલ ભુવાની વાડીએ મજુરી કામ અર્થે ગયા હતા અને તા. 6-12-22ના વહેલી સવારે આરોપી સંજય ફરિયાદીના 8 વર્ષના પુત્ર અયાનને ખરીદી કરવા જવાના બહાને સાથે લઈ ગયા બાદ ભેદી સંજોગોમાં લાપતા બની ગયો હતો. ત્રણ દિવસ સુધી પ્રેમી કે પુત્રનો પતો નહીં લાગતા અંતે ફરિયાદી યુવતિએ પ્રેમી સાથે પોતાના પુત્રનું અપહરણ કરવા અંગે ફરિયાદ નોંધાવતા આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.