ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીના ચકરાવા ઠંડા, મતદારો પોતાના મન કળાવા દેતા જ નથી

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મત માગવા માટે હજુ તો જનસેવક બનવા ઇચ્છુકો પહોંચ્યા નથી, પરંતુ મતદારો પણ મગનું નામ મરી પાડતા નથી

ઉમેદવારોના નામ નક્કી થઇ જતાં હવે પ્રચાર સહિતની ગતિવિધિઓ શરૂ થઇ રહી છે. જો કે હજુ જોઇએ એટલી ઝડપી હલચલ જોવા ન મળતી હોવાનું સ્થાનિક સ્તરેથી સુત્રો જણાવી રહ્યા છે તેમ છતાં આ વખતની ચૂંટણી કંઇક અલગ રહેવાની અને તેનો ધમધમાટ અગાઉ કરતાં વધુ હોવાનું ચિત્ર અત્યારે તો ઉપસી રહ્યું છે. ગોંડલની બેઠક સંવેદનશીલ ગણાતી હોવાથી લોકો પણ ગતિવિધિની નોંધ લઇ રહ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કર ટીમગ્રાઉન્ડ રિપોર્ટ કરી સ્થાનિક સ્તરે ચૂંટણી અંતર્ગત શું થઇ રહ્યું છે?તેના સહિતની વિગતો ઘરે બેઠાં જણાવે છે.

મોવિયા - ગામમાં ત્રણ ગ્રૂપ બની ગયા, ઝુકાવ હજુ અકળ
ગોંડલના મોવિયા ગામે આશરે 9,600 જેટલા મતદારો છે અને ચૂંટણી મહોત્સવ ધામધૂમથી ઉજવવા મતદારો થનગની રહ્યા છીએ. અલબત્ત નાના ગામોમાં પણ નાના મોટું રાજકારણ જોવા મળતું રહેતું હોય છે. મોવિયામાં મતદારોના ત્રણ ગ્રૂપ બની ગયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી કોનો ઝોક કઇ તરફ રહે છે તે જાણવું વહેલું છે. તેમ છતાં મતદારોને પ્રભાવિત કરવાના કોઇ પ્રયાસો હજુ તો શરૂ થયા ન હોવાનું સામે આવ્યું છે.

ગોમટા - ચૂંટણીનો માહોલ હજુ જોઇએ તેવો જામ્યો નથી
ગોંડલના ગોમટામાં આશરે 3100 મતદારો છે. મોટાભાગે દરેક ચૂંટણીમાં મહત્તમ મતદાન થતું આવ્યું છે. આ ગામના લોકોની સમસ્યાઓ, પ્રશ્નોના ઉકેલની અપેક્ષાઓ તેમના પ્રતિનિધિ પાસેથી નથી. આથી હજુ સુધી તો કોઇ રાત્રિ બેઠકો, ખાનગી દોરીસંચાર કે એવું કશું જ જોવા મળતું નથી અને માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. સંવેદનશીલ બેઠકના લીધે સહુનો મદાર અમારા પર રહેશે એ અમને ખબર છે તેવું લોકો કહી રહ્યા છે.

ત્રાકુડા- ‘અમે બધાંને સારી રીતે ઓળખીએ જ છીએ’
ગોંડલના ત્રાકુડા ગામે આશરે 2300 મતદારો છે. મતદારો કહે છે કે અમને આ પર્વની ઉજવણીની હોંશ છે. હજુ તો ઓટલા પરિષદો, ખાટલા પરિષદો માટે સમય છે. કોઇ ઉમેદવાર સભા કરવા કે મત માગવા આવ્યા નથી, અમારા ગામમાંથી મહત્તમ મતદાન થશેઅહીંના મતદારો કોઇના પ્રલોભનોમાં આવી જાય તેવા નથી. અમારા માટે કોણે શું કામ કર્યા તે અમને ખ્યાલ છે.નેતાઓ વચનો આપવા આવશે તો પણ તેમને ઓળખીએ જ છીએ.

શિવરાજગઢ - વચનોની લહાણી તો થાય, સારા નરસાનું ભાન છે
શિવરાજગઢ ગામે વિકાસની હરણફાળ ભરી છે. આ ગામમાં સીસી રોડ, પેવર બ્લોક 24 કલાક વીજળી, શિવરાજગઢ -મોવિયા અને દેવચડી- બાંદ્રા ડામર રોડ, ખેડૂતોને સબસીડી મળ્યા છે. શિક્ષિત મતદારો હોઇ અહીં રાતનો કોઇ અલગ માહોલ જામતો નથી. લોકો કહે છે કે અમારે શું કરવાનું છે તેની અમને જાણ છે જ. ક ચૂંટણી આવે એટલે વચનોની લહાણી તો થાય, પરંતુ સારા નરસાનું ભાન અમને હોય જ.

અન્ય સમાચારો પણ છે...