ગોંડલના હડમતાળા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજૂરી કરતા નર્મદાબેન વસુનિયાને વહેલી સવારે 5:30 વાગે પ્રસુતિની પીડા ઉપડતા પરિવારના સભ્યોએ 108 એમ્બ્યુલન્સ માટે સંપર્ક સાધ્યો હતો. 108ની ટીમ તરત જ સ્થળ પર હાજર થઈને મહિલાની સફળ પ્રસુતિ કરાવી માતા તેમજ શિશુનો જીવ બચાવ્યો હતો.108ના ઈ.એમ.ઈ. વિરલ ભટ્ટે જણાવ્યું હતું કે, ટીમ તાત્કાલીક ઈએમટી સ્ટાફ બાલુભાઈ, પાયલોટ દેવસુરભાઈ કોલીથડ પહોંચી હતી. પરંતુ જાણવા મળ્યું કે પ્રસુતા વાડી વિસ્તારમાં છે. ત્યાં એમ્બ્યુલન્સ લઈ જવી અશ્ક્ય હોવાથી ઈએમટી બાલુભાઈ અને પાઈલોટ દેવસુરભાઈ લગભગ એક કિલોમીટર જેટલું અંતર કાપીને પ્રસુતા દર્દીને સ્ટ્રેચરની મદદથી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ આવ્યા હતા.
ઈએમટી બાલુભાઈને જાણ થઈ કે ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડશે અને સાથે પ્રસુતાની તપાસ કરતાં જાણ થઈ કે તેનું વજન માત્ર ૪૦ કિલો જ છે. આવી વિપરીત પરિસ્થિતિમાં પણ ઈએમટી બાલુભાઈએ તેમની આગવી કોઠાસૂઝનો ઉપયોગ કરી ડોક્ટરની ઓનલાઈન મદદથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.
સફળ ડિલિવરી કરાવી ત્યારબાદ વધુ સારવાર માટે માતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની ૧૦૮ની સેવાએ સંખ્યાબંધ લોકોને ત્વરીત તબીબી સેવા પુરી પાડી નવજીવન આપ્યું છે. રાજ્યભરમાં આ સેવા જુદીજુદી ઈમરજન્સી સેવાની જેમ સતત ૨૪X૭ સેવા પુરી પાડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.