રજૂઆત:મોટાદડવામાં ગૌવંશને લમ્પીનો ભરડો, સહકારી ડેરીમાં દૂધની આવક 40 % ઘટી

મોટાદડવા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ડેરીમાં પણ દૂધની આવકમાં 10 થી 20 ટકાનો ઘટાડો જોવાયો
  • ટપોટપ પશુઓ ​​​​​​​મરવા લાગતાં માલધારીઓમાં ચિંતા, સરપંચને રજૂઆત

લમ્પી વાયરસે પશુઓમાં હાહાકાર મચાવ્યો છેે અનેે ગોંડલ તાલુકાનાં મોટાદડવા ગામે પણ લમ્પી વાઈરસે અનેક ગાયોના જીવ લીધા છે. જેના લીધે દૂધની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવાયો છે. સહકારી ડેરીમાં આવતા દૂધની આવકમાં 40 ટકા અને અન્ય ડેરીમાં આવતા દૂધની આવકમાં પણ 10 થી 20 ટકાનો ઘટાડો જોવાયો હોવાનું સરપંચે જણાવ્યું હતું. લમ્પીના લીધે પશુમાલિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને માલિકોએ સરપંચને રજૂઆત કરી તેમની માગણી સરકારને પહોંચાડવા અરજ કરી છે.

સરપંચ ભૂપતભાઈ વાળાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ દૂધનું હબ કહેવાય. મોટાદડવા ગામની સહકારી ડેરીમાં દૂધની આવકમાં એક મહિનામાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે અન્ય ડેરીઓમાં 10 થી 20 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. માલધારી સમાજ જેમના પર નિર્ભર છે એ ગાયોના ખીલ્લા ખાલી થવા લાગ્યા છે. માલધારી સમાજના તમામ આગેવાનોએ તેમના સુધી પોતાની માગણી અને લાગણી પહોંચાડી છે. આથી સરપંચ દ્વારા પશુપાલન ખાતાં મારફત ત્વરિત સહાય મળે તેવી અપીલ કરવામાં આવી છે. જેથી સ્થિતિમાં સુધારો આવે.

તમામ માલધારીઓને પૂરતી સહાય મળે તે ખૂબ જરૂરી
મહિલા દૂધ ઉત્પાદક ડેરીના પ્રમુખ રઘુભાઈ વસાણી તેમજ સહકારી ડેરીના પ્રમુખ મનુભાઈ લાવડીયા કહે છે કે મહિલા દૂધ ઉત્પાદક ડેરી તેમજ સહકારી ડેરીમાં સતત એક મહિનાથી દૂધની આવક ઘટી રહી છે. અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે અનેક ગાયો, બળદો તેમજ ઘેટાં સહિત પશુઓમાં લમ્પીના લક્ષણોના લીધે દૂધ ભરાવવા આવતા ન હતા.તેમને બચાવવા માટે ડોઝ તેમજ દવા આપી સઘન પ્રયાસ સહકારી ડેરીએ કર્યા છે. સારવાર છતાં સારૂ પરિણામ ન મળતા અનેક માલધારીઓએ પોતાના પશુઓ ખોવા પડ્યા છે. આ બાબતે યોગ્ય સહાય મળે તો જ માલધારીઓની આજીવિકા જળવાઇ રહે તેવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...