રાજ્ય સરકાર અને ગૃહરાજ્ય મંત્રી દ્વારા વ્યાજખોરો સામે કડકમાં કડક પગલાં લેવાની પોલીસ તંત્રને સુચના અપાયા બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા બુધવારના રોજ ગોંડલ ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. એજ દિવસે બે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.
પઠાણી ઉઘરાણી કરવામાં આવતા પોલીસ ફરિયાદ
વ્યાજખોરોની પ્રથમ ફરિયાદમાં, શહેરના ગુંદાળા રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા અને યમુના સેલ્સ નામે સિમેન્ટની એજન્સી ધરાવતા દિનેશભાઈ શિંગાળાએ કાંતિભાઈ કાલરીયા સામે નાણા ધિરધાર અધિનિયમ કલમ 40, 42 મુજબ ઉંચા વ્યાજ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદમાં દિનેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓએ રવિ ડેવલોપર્સ નામે ધંધો વધારવા માટે કાંતિભાઈ કાલરીયા પાસેથી કટકે કટકે ઉંચા વ્યાજે રૂપિયા 48 લાખ લીધા હતા અને બેંકમાં આરટીજીએસ મારફતે અને રોકડા સહિત મળી કુલ 90 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં પણ કાંતિભાઈ કાલરીયા દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાની ફરજ પડી છે.
27 લાખના 72 લાખ રૂપિયા ચૂકવી દેવા છતાં ધાકધમકી
બીજા બનાવવામાં નવા માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલ શ્રીજી સોસાયટીમાં રહેતા અને બ્રહ્માણી બુક સ્ટોર નામે દુકાન ધરાવતા ભાવેશભાઈ લીલાએ માર્કેટિંગ યાર્ડની અંદર પૂનમ ટ્રેડર્સ ધરાવતા નરેશભાઈ બાવીસીયા, રાજુભાઈ ફસરા, વૃંદાવન ટ્રેડિંગ ધરાવતા જીગ્નેશ નવીનચંદ્ર ખખ્ખર અને શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજય કણસાગરા તથા જીગ્નેશ ઉકાભાઇ સોજીત્રા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઉપરોક્ત શખ્સો પાસેથી તેઓ દ્વારા રૂપિયા 27 લાખ વ્યાજે લેવામાં આવ્યા હતા. જેના આજ સુધીમાં વ્યાજ સાથે 72 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં પણ ઉપરોક્ત ઈસમો દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપવામાં આવતી હોવાથી ના છૂટકે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે.
વ્યાજંકવાદ સામે બોલતા મહિલાના પતિ વિરુદ્ધ જ ફરિયાદ
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગતરોજ ટાઉનહોલ ખાતે યોજાયેલ લોક દરબારમાં સંજયભાઈ મોહનભાઈ કણસાગરાના પત્ની દ્વારા સ્ટેજ ઉપર આવી પોલીસ તંત્રની વ્યાજંકવાદ સામેની કાર્યવાહીને બિરદાવી હતી. જ્યાં જિલ્લા પોલીસવાળાને જણાવ્યું હતું કે, તેઓના રૂપિયા બ્રહ્માણી બુક સ્ટોર વાળા ભાવેશભાઈ પાસે ફસાયા છે. જે અંગેનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. આજે ખુદ તેમના પતિ સામે જ ફરિયાદ નોંધાતા તે પણ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.