સિવિલ હોસ્પિટલની બેદરકારી:ગોંડલમાં યુવાને સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જ્યારે પ્રાઇવેટ લેબમાં કરાવ્યો તો નેગેટિવ આવ્યો

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુ સિવિલ હોસ્પિટલનો રિપોર્ટ અને જમણી બાજુ સુપ્રાટેક પ્રાઇવેટ લેબનો રિપોર્ટ - Divya Bhaskar
ડાબી બાજુ સિવિલ હોસ્પિટલનો રિપોર્ટ અને જમણી બાજુ સુપ્રાટેક પ્રાઇવેટ લેબનો રિપોર્ટ
  • આ મામલે જાણ કરવામાં આવતા સરકારી હોસ્પિટલ તંત્રે પોતાની ભૂલ પણ સ્વીકારી હતી

ગોંડલ શહેર પંથકમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ટેસ્ટિંગ કરવા જતાં લોકો પોઝિટિવ નેગેટિવ રિપોર્ટના જવાબથી વિમાસણમાં મૂકાઇ જતા હોય છે. ગોંડલના યુવાને સરકારી હોસ્પિટલના રિપોર્ટમાં શંકા જતા પ્રાઇવેટ લેબમાં રિપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને સરકારી હોસ્પિટલ તંત્રે પોતાની ભૂલ પણ સ્વીકારી હતી.

શંકા જતા પ્રાઇવેટ લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના રાધાકૃષ્ણ નગરમાં રહેતા પ્રતિપાલસિંહ જાડેજા કોરોના પોઝિટિવ થતા તેમના મોટાભાઈ દુષ્યંતસિંહ જાડેજા પત્ની સાથે સિવિલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ માટે પહોંચ્યા હતા. રિપોર્ટની લાંબી રાહ જોયા બાદ હોસ્પિટલ સ્ટાફે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેવું જણાવ્યું હતું. પરંતુ તે પહેલા હોસ્પિટલ સ્ટાફ પોઝિટિવ કે નેગેટિવ આપવા માટે ગૂટરગૂ કરતો હોવાથી દુષ્યંતસિંહ રિપોર્ટમાં શંકા જતા તુરત જ RT-PCR રિપોર્ટ માટે રકઝક કરી રિપોર્ટ કરાવ્યો હતો અને રાજકોટ ખાનગી લેબમાં દોડી જઇ ત્યાં પણ RT-PCR રિપોર્ટ કરાવ્યો હતો. અલબત્ત બંને રિપોર્ટ નેગેટીવ આવતા પરિવારે રાહત અનુભવી હતી. પરંતુ ઘડીભર સરકારી હોસ્પિટલના સ્ટાફે મન ફાવે તેમ રિપોર્ટ આપવાનું નક્કી કર્યું હોય તે અંગે પ્રતિપાલસિંહ અને દુષ્યંતસિંહે સિવિલ હોસ્પિટલ સ્ટાફનો ઉધડો લીધો હતો આખરે ઉચ્ચ અધિકારીઓએ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.

હોસ્પિટલ હવે દર્દીઓને રેપિડ ટેસ્ટના રિપોર્ટ બતાવશે
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય શરદી તાવથી બીમાર લોકોને જો કોરોના રિપોર્ટ કરવાનું કહેવામાં આવે તો તેમની ચિંતામાં વધારો થતો હોય છે. તેવી પરિસ્થિતિમાં જો સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે નેગેટિવ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવી જાય તો દર્દીની કેવી પરિસ્થિતિ થાય તે વિચારવા જેવી છે. પરંતુ આજે ગોંડલના ક્ષત્રિય બંધુઓએ સિવિલ સ્ટાફને તેની જ ભાષામાં જવાબ આપતા હવેથી આવી ભૂલ નહીં થાય તેવું સ્વીકાર્યું હતું અને દર્દીઓને રેપિડ ટેસ્ટના રિપોર્ટ બતાવવામાં આવશે તેઓ પણ કહેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...