રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાથી ગોંડલ શહેર પંથકમાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદોના પગલે મામલતદાર તંત્ર દ્વારા કડક ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી કરતાં વાહનોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અનઅધિકૃત ખનિજ વહનના ટ્રક (ડમ્પર)ને જપ્ત કર્યા
પ્રાપ્ત વિગતો મુજબ મામલતદાર તંત્રએ પ્રથમ ગોંડલ તાલુકાના ગોંડલ-મોવીયા રોડની વચ્ચે 38 ટન રેતી જેની કિંમત 38 હજાર અને વાહન કિંમત રૂ.13 લાખ મળી કુલ રૂા.13.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ટ્રક માલીક રાજભા ધીરૂભા ચૌહાણ (રહે.ભાડુકા, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર) હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. દ્વિતીય કેસમાં નેશનલ હાઈવે ઉપર રાત્રિના ભરૂડી ટોલપ્લાઝા પાસેથી પસાર થતો 48 ટન રેતી જેની કિંમત 48 હજાર અને વાહન કિંમત રૂા.15 લાખ મળી કુલ રૂા.15.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ટ્રક માલીક દિક્ષિત રામજીભાઈ પરમાર (રહે.ચરખડી, તા.ગોંડલ) હોવાનું બહાર આવ્યું હતું. અને ત્રીજા કેસમાં નેશનલ હાઈવે ઉપર 31 ટન રેતી કિંમત 31 હજાર વાહન કિંમત રૂા.15 લાખ મળી કુલ રૂા.15.31 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેના ટ્રક માલીક કાનજી દેવાયતભાઈ વિરડા (રહે.તારાણા (ધાર), તા.જોડીયા, જામનગર) હોવાનું બહાર આવતા ત્રણે કેસની કાર્યવાહી હાથ ધરી અને મુદામાલ સાથેનો ટ્રક સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન, ગોંડલને સોંપી દેવામાં આવ્યા હતા.
44.17 લાખના મુદામાલને જપ્ત કરી સીઝ કર્યો
આ કાર્યવાહીમાં એચ.વી.ચાવડા, મામલતદાર, ગોંડલ (તાલુકા) દ્વારા સમગ્ર ડ્રાઈવ દરમ્યાન કુલ-44.17 લાખના મુદ્દામાલને જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.