હજારો ભાવિકોના હૃદયમાં ગૌરવવંતુ સ્થાન ધરાવતા સ્થાનકવાસી જૈન સમાજના ગોંડલ સંપ્રદાયની સ્થાપના કરનાર આચાર્યદેવ ડુંગરસિંહજી મહારાજના ગાદીના ગામ ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે નમ્રમુનિ ના સાંનિધ્યે ઉજવાઇ રહેલા આયંબિલ ઓળી પર્વ અંતર્ગત ચાલી રહેલી મહાપુરુષોના જીવનની ગૌરવગાથા કરતી પ્રવચનમાળા અનેક જૈન-અજૈન ભાવિકોને સત્યની પ્રેરણા આપી એમને ધન્ય બનાવી રહી છે.
રવિ પુષ્ય નક્ષત્રના મંગલકારી યોગમાં મુનિએ દિવ્ય મંત્રોની જપ સાધના કરાવી હતી અને જણાવ્યું હતું કે દુ:ખ અને તકલીફોથી થાકી- હારી ભાગી જનારા આ જગતના અનેક અનેક જીવો જ્યારે સદાને માટે ભૂલાઈ, ભૂંસાઈ જતા હોય ત્યારે કોઈક આત્માઓ દુ:ખને રેડ કાર્પેટ આપીને સામે ચાલીને આવકારી આ જગતમાં એક ઈતિહાસ બનીને સદા માટે સ્મરણીય બની જતા હોય છે.
ઇતિહાસ એનો જ સર્જાતો હોય છે જેમણે દુ:ખોને સામે ચાલીને આવકાર્યો છે . કોઈપણ પરિસ્થિતિમાં ક્યારે બોલવું , ક્યારે મૌન રહેવું, ક્યારે તર્ક કરવું કે ક્યારે શ્રધ્ધા કરવી અને પ્રતિકૂળ આ સંયોગોમાં ‘ખમ નહીં તો જોખમ’નો વિવેક દર્શાવનારા તે હોય છે ઉપાધ્યાય ભગવંત. કેપેસિટી વધે ત્યારે નમ્રતા વધવી જોઇએ, નહીંતર પતન તો થશે જ તેમ જણાવ્યું હતું.
રવિપુષ્ય જાપના કળશનો લાભ ધર્મવત્સલા હર્ષાબેન ચેતનભાઈ મહેતા, શ્રદ્ધાબેન તેજાણી અને ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવારે લીધો હતો. હર્ષાબેન નવીનભાઈ દેસાઇ પરિવાર, રાજુભાઇ દેસાઇ પરિવાર, પરિમલભાઈ દેસાઇ, અનીલભાઈ ઉનડકટ, વિનુબેન સંઘરાજકા, ડો. પીયુષભાઈ સુખવાલા, કૌશિકભાઈ મહેતા,પરેશભાઈ મકવાણા એ લાભ લેતા 51 લાખ જીવદયામાં અર્પણ થયા હતા. આયંબિલ ઓળી પર્વની અનુમોદનાનો લાભ હરેશભાઈ જમનાદાસ દોશી હસ્તે વિજયભાઈ દોશી દ્વારા લેવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.