સાયબર છેતરપિંડી:એનિમલ હેલ્પલાઇનમાં ફોન કરી ફોર્મ ભર્યું ને તરત 4 બેંક ખાતામાંથી 11 હજાર ગાયબ

ગોંડલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલ કબૂતરની સારવારની ઇચ્છા મોંઘી પડી, ઇજનેર સાથે સાયબર છેતરપિંડી
  • શિક્ષિતો પણ બની રહ્યા છે અોનલાઇન છેતરપિંડી અને સાયબર ક્રાઇમનો ભોગ

એક સમય હતો કે નિરક્ષર લોકો ઓનલાઈન છેતરપિંડીના ભોગ બનતા હતા. હવે તો ગ્રેજયુએટ અને એન્જિનિયર કક્ષાના લોકો પણ બાકાત રહી શકતા નથી, જેમાં ગોંડલ ભરૂડી ઇન્ડસ્ટ્રીઝમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ તેની કંપનીમાં ઘાયલ કબૂતરની સારવાર કરાવવા ઓનલાઈન સર્ચ કરી એનિમલ હેલ્પલાઈનનો સંપર્ક કરતાં અલગ અલગ 4 એકાઉન્ટમાંથી રૂ.11 હજાર ઉપડી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે ફરિયાદી ચિરાગભાઇ ગીરીશભાઇ ટાંકએ જણાવ્યું હતું કે, તે સિનોવા ગીયર્સમાં ઇજનેર તરીકે નોકરી કરે છે. કંપનીમાં એક ઘાયલ કબુતર જોતાં તેની સારવાર માટે ગૂગલમાંથી અેનિમલ હેલ્પલાઇનનો નંબર લીધો હતો. મેં મો.નં 77359 70596માં ફોન કરતા સામેથી વાત કરનાર વ્યક્તિએ મને કહ્યું કે 10 રૂપિયાના દરે એમ્બ્યુલન્સ મોકલવામાં આવશે જેનું પેમેન્ટ તમે ગુગલ પે અથવા નેટ બેંકિંગથી કરી શકો છો.

થોડીવારમાં મારા ફોનમાં મોબાઇલ નંબર 6290650243 ઉપરથી ટેક્સ્ટ મેસેજ આવ્યો અને ફરીવાર મને મોબાઇલ નંબર 77359 7059670596 પરથી ફોન આવ્યો કે તમારા મોબાઇલમાં એક મેસેજ આવેલ છે. તે મેસેજ હું જે નંબર લખાવું તેમાં ફોરવર્ડ કરી દો, તેમ વાત કરી મને 9634224747 નંબર લખાવેલ હતા અને મેં ચાલુ ફોનમાં મારા મોબાઇલમાં આવેલ મેસેજ તેણે લખાવેલ મોબાઇલ નંબર 9634224747 ઉપર ટેક્સ્ટ મેસેજ કરી ફોરવર્ડ કર્યા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે એનિમલ હેલ્પ લાઇનનું ફોર્મ ભરવાની લિંક મોકલું છું તે ઓપન કરી ફોર્મ ભરી દો તેમ કહેતા એક લિંક આવી હતી અને તે ફોર્મમાં મારૂ નામ , 10 રૂપિયા એમાઉન્ટ અને UPI પિન નંબર એન્ટર કરતા સામેથી વાત કરનાર વ્યક્તિએ મને કહ્યું કે તમારૂ ફોર્મ ભરાઇ ગયું, થોડી જ વારમાં એનિમલ હેલ્પલાઇનમાંથી ગાડી આવશે. તેમ વાત કરી ફોન કાપી નાખ્યો હતો.

થોડી જ વારમાં મારા ફોનમાં બેંકમાંથી મેસેજ આવવાના શરૂ થયા અને મારા એસ.બી.આઇ. એકાઉન્ટમાંથી રૂ. 4,200, બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી રૂ. 2,600, કોસમોસ બેંક એકાઉન્ટમાંથી રૂ. 2,200, બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂ. 2 હજાર એમ કુલ 11 હજાર ઉપડી ગયા હતા. અને આ બાબતે મે પોલીસ કમિશનર રાજકોટની કચેરીમાં અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...