સારવાર:ગોંડલના તબીબે અંડાશયમાં વિકસતા ગર્ભનું ઓપરેશન કર્યું

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50,000 પ્રેગ્નન્સીમાં એક કેસ આવો આવી શકે તેવો તબીબોનો મત

કોઈ દંપતી વંધ્યત્વ નિવારવા અને ખોળાનો ખુંદનાર લાવવા વર્ષોથી સારવાર લેતા હોય અને પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે તો તેમના આનંદને શબ્દોમાં વર્ણવવો લગભગ અશક્ય છે, પરંતુ જ્યારે સોનોગ્રાફી દ્વારા ગર્ભાશયમાં પ્રેગ્નન્સી ન દેખાય ત્યારે ડોક્ટર અને પેશન્ટના ચેહરા પર ચિંતાની લકીર આવી જતી હોય છે, આવો જ એક કિસ્સો ગોંડલ રન્નાદે હોસ્પિટલના તબીબ ડો. હિરેન ઠુંમર પાસે આવ્યો હતો.

વંધ્યત્વની સારવાર લેતું એક દંપતી જ્યારે દોઢ મહિનાના ગર્ભ સાથે પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ સાથે આવેલું પરંતુ સોનોગ્રાફી દરમિયાન તેના ગર્ભમાં પ્રેગ્નન્સી દેખાવાના બદલે જમણી બાજુ નળીમાં સોજો દેખાતા, ભ્રુણ ગર્ભાશયના બદલે નળીમાં વિકસતું હોવાનું નિદાન કરીને લેપ્રોસ્કોપી દ્વારા ઓપરેશન માટે સમજાવ્યું હતું.

દંપતી અને તેના પરિવારજનો પણ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તરત જ ઓપરેશન માટે તૈયાર થઈ ગયા હતા. લેપ્રોસ્કોપી દરમિયાન બંને તરફથી ફેલોપિન નળી એકદમ સામાન્ય જોવા મળી હતી પરંતુ અંડાશયમાં ગર્ભ એટલે કે ઓવેરિયન એક્ટોપિક પ્રેગનેન્સી જોવા મળી હતી, જે તબીબોના મતાનુસાર 40,000થી 50,000 કેસમાં એક જોવા મળતી હોય છે. મહિલાનું સફળતાપુર્વક ઓપરેશન થઈ જતા તબીબે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...