ખેડૂતોના રવિ પાકો પર પાણી ફરી વળ્યું:ગોંડલ યાર્ડમાં 2 દિવસ તમામ જણસીની આવક બંધ; 2500થી 3000 વીઘામાં લાખોનું નુકસાન

ગોંડલ15 દિવસ પહેલા

ગુજરાતનું નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હવામાન વિભાગ દ્વારા કરેલા કમોસમી વરસાદની આગાહીને પગલે માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક આગામી 2 દિવસ માટે બંધ કરવામાં આવી છે. ગોંડલ શહેર તેમજ પંથકમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદ તેમજ હજુપણ બે ત્રણ દિવસ વરસાદી વાતાવરણના પગલે તમામ જણસી બંધ કરવાની જાહેરાત કરવામાં આવા છે.

જણસી જેવી કે ઘઉં, ધાણા, ડુંગળી, કપાસ, મરચા, મગફળી સહિતના માલની આવક બંધ કરવાની જાહેરાત યાર્ડના સત્તાધિશો દ્વારા કરવામાં આવી હતી. જ્યાં સુધી આવકને લઈને યાર્ડ દ્વારા નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોએ પોતાનો માલ લઈને ગોંડલ યાર્ડમાં ન આવું તેવું યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા દ્વારા જણાવાયું હતું.

ગોંડલ શહેર પંથકમાં રવિવાર સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તાલુકાના બીલીયાળા, રીબડા, અનિડા, ભુણાવા, પાંચિયાવાદર, પાટ ખીલોરી સહિતના ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ગોંડલ તાલુકાના પાંચિયાવાદર અને ડૈયા ગામે ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવતા અડધાથી પોણા ઈંચ જેવો કરા સાથે વરસાદ ખાબકતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પાકો પર પાણી ફરી વળ્યું હતું.

2500થી 3000 વીઘામાં લાખોનું નુકસાન કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. ચણા, ઘઉં, ધાણા, લસણ, ડુંગળી, જીરૂ સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગોંડલ અને કોટડા સાંગાણી પંથકના ખેડૂતને મોટું નુકસાનની ભીતિ જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...