ગોંડલ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓનું એપી સેન્ટર ગણાતા તાલુકા શાળાના ગ્રાઉન્ડમાંથી અનેકવાર સૌરાષ્ટ્રભરમાં ચોરી કરનાર શખ્સો ઝડપાતા હોય છે, અહીં જ અનેક ચોરીના પ્લાન ઘડાતા હોવાનું અનેકવાર સાબીત થયું છે. ત્યારે તાલુકા શાળાના ગ્રાઉન્ડ નજીક આવેલી શાળામાંથી જ ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જોવાની ખૂબી એ હતી કે પ્રમાણમાં જર્જરિત બની ગયેલી તાલુકા શાળાના માલસામાન પર નજર ઠેરવી ચોરોએ ખુરશીની તોડફોડ કરી હતી અને વાસણો તેમજ કોમ્પ્યુટર, સીપીયુ, મોનિટર સહિતની વસ્તુઓ ઉઠાવી ગયા હતા અને બાકીની ચીજોને વેખવિખેર કરી નાખી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં ગુલમહોર રોડ ઉપર આવેલી શાળા નં. 1ના કંમ્પાઉન્ડમાં આવેલા રસોડાનાં રૂમનો તસ્કરોએ દરવાજો તોડી અંદરથી અલગ-અલગ વાસણો તેમજ રૂમ નં. 4 ની બારી તોડી કોમ્પ્યુટરનું સીપીયુ નંગ-5, મોનીટર નંગ-8, પ્રિન્ટર તથા પ્લાસ્ટીકની ખુરશી નંગ-12 મળી કુલ 18,300નો મુદામાલ ચોરી કરી જતા, સ્કુલના ફોરમબેન ઉપાધ્યાયે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જોવાની ખૂબી એ હતી કે તસ્કરોએ શાળાનો અન્ય માલસામાન પણ વેરવિખેર કરી નાખ્યો હતો અને તેને નુકસાન પહોંચાડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.