ગોંડલીયા મરચાની હારમાળા:ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મરચાની 2 હજાર ભારીની આવક, ખેડૂતોને 7001 સુધીના ભાવ મળ્યા

ગોંડલએક મહિનો પહેલા

સૌરાષ્ટ્રનું અવ્વલ નંબર ધરાવતું અને સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત મરચાંની આવક નોંધાઈ હતી. જેમાં આજે સોમવારે સિઝનના સૌપ્રથમ મરચાંની આવક નોંધાઈ હતી. યાર્ડમાં 2 હજાર જેટલી ભારીની આવક નોંધાતા હરાજીમાં 20 કિલોના રૂ. 4100 થી રૂ. 7001સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા.

યાર્ડમાં મરચાંની 2 હજાર ભારીની આવક
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, 2હજાર જેટલી ભારીની આવક જોવા મળી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ વેંચવા ગોંડલ માર્કેટયાર્ડમાં આવતાં હોય છે. રાજસ્થાન, યુ.પી, એમ.પી, તેલંગણા, કેરેલા, સહિતના રાજ્યોમાંથી વેપારીઓ માલ ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે. ચેરમેને વધુમાં ઉમેર્યું હતું કે, ગોંડલનું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે. ગત વખતની સરખામણીમાં ખેડૂતોને સારો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. તેમજ સમગ્ર ભારતભરની 17 કંપનીને ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જે આગામી દિવસોમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મરચાં ખરીદવા માટે આવશે.

ખેડૂતોનું મરચાં વહેંચવાનો આગ્રહ હમેશાં ગોંડલયાર્ડમાં
ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા રસિક ચારણીયા છેલ્લા 10 વર્ષથી માર્કેટયાર્ડમાં મરચાં વેંચવા માટે આવે છે. જેમણે આ વખત 10 વિઘામાં મરચાંનું વાવેતર કર્યું હતું. 10 ભારી મરચાં લઈને યાર્ડમાં આવ્યા હતાં. ફોરવર્ડ મરચાંના રૂ. 3000 અને સારી ક્વોલીટીના રૂ. 6000 ભાવ મળ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ગોંડલ યાર્ડમાં ભાવ સારા મળે છે. જેથી કરીને ખેડૂતો મરચાં વહેંચવાનો આગ્રહ હમેશાં ગોંડલયાર્ડમાં રાખતાં હોય છે.

ગૃહિણીઓની પ્રથમ પસંદગી ગોંડલીયા મરચાં
અહીં ઉલ્લેખનીય છે કે, ગૃહિણીઓ દ્વારા આખા વર્ષના મસાલા એકી સાથે ભરી લેવામાં આવતાં હોય છે. ત્યારે તેમની પ્રથમ પસંદગી ગોંડલીયા મરચાંની હોય છે. આ સમયે ગોંડલ યાર્ડમાં આગામી દિવસોમાં પણ મરચાંની ધૂમ આવક જોવા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...