પ્રેરણા:ગોંડલના પરિવારે પુત્રનું કોરોનામાં અવસાન બાદ પુત્રવધૂને દીકરીની જેમ સાચવીને સાસરે વળાવી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરાનામાં સસરા અને પતિના અવસાનથી પરિવાર ભાંગી પડ્યો’તો, હવે ખુશીના તોરણ બંધાયા

કોરોના મહામારીમાં પરિવારના મોભી કે આધાર સ્તંભ ગણાતા વ્યક્તિના નિધનથી અનેક પરિવારોમાં સુનકાર થઇ ગયો છે, ત્યારે આવા જ એક કિસ્સામાં બ્રાહ્મણ પરિવારે સમાજને એક ઉમદા ઉદાહરણ પુરું પાડ્યુ છે. ગોંડલના વોરા કોટડા રોડ પર રહેતા અને બીએસએનએલ નિવૃત કર્મચારી હસમુખભાઈ ઠાકર અને તેમના પુત્ર નીખિલભાઈ જે કોરોનાની બીજી લહેરમાં સપડાયા બાદ 18 દિવસના અંતરે બંનેએ જીવ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ હતી. ત્યારે સૌથી વધુ નિખિલભાઈના પત્ની સોનલબેન પર વ્રજઘાત સમાન દુઃખના ડુંગરો તૂટી પડ્યા હતા. સોનલબેનને સંતાનમાં એક 4 વર્ષીય પુત્ર પણ છે.

સોનલબેનની સહમતીથી અને કઠણ કાળજે સોનલબેનના સાસુ જ્યોત્સ્નાબેન, જેઠ કલ્પેશભાઈ અને જેઠાણી રક્ષાબેને સોનલબેન અને દિકરાના ઉજ્જવળ ભવિષ્યનો ઉમદા વિચાર કરી દિકરીની જેમ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. સૌની સહમતીથી સોનલબેનના જેતપુર ખાતે જગદીશભાઇ એલ.જાની અને કનકબેન જે.જાનીના પુત્ર ગૌતમભાઇ જાની ધામે ધૂમે લગ્ન કરાવ્યા હતા અને તેમનું હવે પછીનું જીવન ખુશી સભર વીતે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

કોરોનામાં ભાઈ અને પિતાને ગુમાવનાર કલ્પેશભાઈ ઠાકરએ જણાવ્યું હતું કે મહામારીમાં અમારા પરિવારમાં બે લોકોના અકાળે મૃત્યુ થી સ્તબ્ધ થઇ ગયા હતા. મારા નાના ભાઈના પત્ની અને 4 વર્ષીય મારા ભત્રીજાએ નાની ઉંમરે જ પતિ અને પિતાની છત્ર છાયા ગુમાવવી પડી હતી. પુત્રવધુને દિકરીની જેમ સાસરે વળાવતા વિદાયની વેળાએ ઉપસ્થિત સૌ મહેમાનોની આંખો પળવાર માટે ભીની થઇ ગઇ હતી. બંને પરિવારના આ સદવિચાર અને અનુકરણીય કદમથી સમાજમાં એક સુચારુ સંદેશ પ્રસારીત થયો છે.

અન્ય સમાચારો પણ છે...