પાડોશીઓ જ નીકળ્યા ચોર:ગોંડલમાં પરિવાર બહાર જતાં ચોરીને અંજામ આપ્યો; આરોપીએ ચોરીની કબૂલાત કરવા છતાં ચોરીની વસ્તુ પરત ન કરતાં પોલીસ ફરિયાદ

ગોંડલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

લગ્નસરાની સીઝન શરૂ થઈ ગઈ છે. જેમાં ભોજન સમારંભ અને રિસેપ્શન યોજાઈ રહ્યાં છે. ત્યારે ગોંડલ ગુંદાળા શેરીમાં રહેતા વેપારી પરિવાર પુત્રના રિસેપ્શનમાં મેમણ જ્ઞાતિની વાડીએ જતાં પાછળથી મોકળુ મેદાન જોઈ ગયેલા પાડોશીએ ઘરમાં પ્રવેશી નવવધૂના સોનાચાંદીના દાગીના રોકડ રકમ મળી કુલ રૂ. અઢી લાખની મતાની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવામાં હતી.

ઘરમાંથી રૂપિયા 2.5 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ
પ્રાપ્ત વિગતો મુજબ, ગુંદાળા શેરીમાં રહેતા અને દેવપરામાં મુન્ના ગારમેન્ટ નામે દુકાન ધરાવતા તોફીકભાઈ મજીદભાઇ શૈલી, પુત્રના લગ્નના રિસેપ્શનમાં સહ પરિવાર સાથે મેમણ સમાજની વાડીએ ગયા હતાં. જ્યાં પાછળથી પાડોશમાં રહેતા દાઉદ યાકુબ દયાળા, મહંમદહુશેન ખાલીદભાઈ દયાળા, સીબતેન શબ્બીર મીકાણી તથા ક્યુમ અનીશ ડબ્બાવાલાએ ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યો હતો. બારણું તોડી કબાટમાં રાખવામાં આવેલા ચાંદીના દાગીના આશરે કિંમત રૂ. 1,86,000/- તથા રોકડ રૂપિયા આશરે 70,000/- મળી કુલ 2,56,000/-ની ચોરી કરી હતી. જેની પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સીની કલમ 457, 380, 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તેઓએ અમારા ઘરમાં ચોરી કરેલી હોવાની અમને શંકા હતી
ફરિયાદીએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, ઘરની બાજુમાં રહેતા દાઉદ યાકુબ દયાળા, મહંમદહુશેન ખાલીદભાઈ દયાળા, સીબતેન શબ્બીર મીકાણી તથા કયુમ અનીશભાઈ ડબ્બાવાલા અમારા ઘરમાં જે સમયગાળા દરમિયાન ચોરી થયેલી તે દરમિયાન ઉપરોક્ત ચારેય વ્યક્તિઓની હાજરી અમારા ઘરની નજીકમાં હતી. જેથી તેઓએ અમારા ઘરમાં ચોરી કરેલી હોવાની અમને શંકા હતી. જેથી અમારા વેવાઇ સલીમભાઇ આરીફભાઇ વૈદનાએ સમાજના આગેવાનોને અમારા ઘરે થયેલ ચોરીની વાત કરી હતી.

બે દિવસમાં બધી વસ્તુઓ પાછી આપી દેવાનું જણાવ્યું હતું
જે અનુસંધાને ઉપરોક્ત ચારેય વ્યક્તિને સમાજના આગેવાનોની હાજરીમાં અમારા મહેમાનોને ત્યાં ઉતારો આપેલો હતો. ત્યાં પુછપરછ તથા સમજાવટના અંતે દાઉદ યાકુબ દયાળા અને ત્રણેય વ્યક્તિઓ સાથે મળી અમારા ઘરના રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યા હોવાનું કબુલ કર્યું હતું. જેમાં તેમણે બે દિવસમાં બધી વસ્તુઓ પાછી આપી દેવાનું જણાવ્યું હતું, પરંતુ આજદીન સુધી અવાર નવાર તેઓને સમજાવવા છતાં આ લોકોએ અમારા ઘરેથી ચોરી કરેલી સોના ચાંદીની વસ્તુ તથા રોકડ રૂપિયા આપ્યાં નથી એટલે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...