રોજની 10થી વધુ સભા અને મિટિંગ:ગોંડલ 73-વિધાનસભા બેઠકના ઉમેદવાર ગીતાબા જાડેજાના પ્રચારમાં પતિ અને પુત્ર પણ મેદાને ઉતર્યા

ગોંડલ18 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટીએ પ્રચાર-પ્રસારમાં ઝંપલાવ્યું છે. દરેક પાર્ટીનો ઉમેદવાર લોકો વચ્ચે જઈ જાહેર સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે ગોંડલના ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજાના પ્રચારમાં આખો પરિવાર મેદાને ઉતર્યો છે. રોજિંદા પિતા અને પુત્ર બન્ને 300 કિલોમીટર સુધી 10 જેટલી સભા, ગ્રુપ મિટિંગ યોજે છે. જ્યારે ગીતાબા શહેરમાં 10 જેટલી અલગ-અલગ સભા સંબોધે છે. ગીતાબા જાડેજા આશાપુરા માતાજીના પરમ ઉપાસક છે. જેથી વહેલી સવારે ધર્મકાર્ય અને ગૃહસ્થી શરૂ થઈ જાય છે, ત્યાર બાદ પ્રચાર-પ્રસારમાં જોડાય છે.

ગીતાબાની રોજની 10 જેટલી સભા અને ગ્રુપ મિટિંગ
73 વિધાનસભા ગોંડલ તાલુકાના 79 ગામનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારે ગીતાબા રોજિંદા ગોંડલ શહેરમાં અલગ-અલગ વોર્ડમાં 10 જેટલી સભા અને ગ્રુપ મિટિંગો કરે છે. મહિલા મંડળની મિટિંગો પણ પોતે જ એટેન્ડ કરે છે. તેમને લોક પ્રતિસાદ પણ ખૂબ મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. તમામ જગ્યાઓ પર પુષ્પ વર્ષા અને ઢોલ સાથે લોકો દ્વારા સ્વાગત કરવામાં આવે છે.

ગીતાબાના પતિ અને પુત્ર પ્રચારમાં જોડાયા
ગીતાબાના પતિ જયરાજસિંહ જાડેજા ગોંડલ તાલુકાના અલગ-અલગ 10 જેટલા ગામોમાં સભા, ગ્રુપ મિટિંગો, અલગ-અલગ સમાજની મિટિંગો કરે છે, ગામે ગામે પ્રચારમાં જોડાય છે. રોજિંદા 150 કિલોમીટરથી પણ વધુ ટ્રાવેલિંગ કરીને પ્રચારમાં જોડાય છે. પુત્ર જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા ગોંડલ શહેર અને ગ્રામ્યના 10 જેટલા ગામોમાં પ્રચાર, સભા, ગ્રુપ મિટિંગ, અલગ-અલગ સમાજની મિટિંગો, ગામે ગામ પ્રચારમાં જોડાય છે. રોજિંદા 150 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરી પ્રચારમાં જોડાય છે અને તેમનું પણ લોકો ઢોલ નગારા સાથે સ્વાગત કરે છે. મોટી સંખ્યામાં લોકો સભામાં અને પ્રચારમાં જોડાય છે. તેઓ એક યુવા આઇકોન તરીકે પણ ઓળખાઈ છે.

ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્ય બનવાનો યશ
સદાય સંવેદનશીલ ગણાતા ગોંડલના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ યશસ્વી રીતે પુર્ણ કરી ફરી ચૂંટણી લડી રહેલા ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્ય બનવાનો યશ મેળવ્યો છે. જેનો ક્રાઇમ રેઇટ હમેંશા ઉચ્ચો રહ્યો છે, તેવા ગોંડલમાં કાયદો વ્યવસ્થાથી લઈ વિકાસ સુધીની તેમની કારકીર્દી યશસ્વી રહી છે. ગોંડલને કોંગ્રેસ મુકત બનાવવાનો જશ પણ ગીતાબા જાડેજાના ફાળે જાય છે.

ગીતાબા આશાપુરા માતાજીના પરમ ઉપાસક
બે પુત્રીઓ તથા એક પુત્રની માતા ગીતાબા સ્વભાવે ધાર્મિક પ્રકૃતિના છે. વહેલી સવારે ચાર વાગ્યાથી તેમનુ ધર્મકાર્ય અને ગૃહસ્થી શરૂ થઈ જાય છે. તેઓ આશાપુરા માતાજીના પરમ ઉપાસક છે. તેમના પાંચ વર્ષના શાસનકાળમાં વિકાસના અનેક કાર્યો છે. સૌની યોજના અંતર્ગત ભર ઉનાળે એક નહીં પણ ત્રણ-ત્રણ ઉનાળામાં શહેરની મુખ્ય જીવાદોરી સમાન વેરી તળાવને છલકાવી શહેરની જળસમસ્યા દુર કરી છે.

ગીતાબા રિપીટ થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ
સતત કાર્યશીલ અને કાર્યરત રહી લોકોમાં આધુનિક ગોંડલના ઘડવૈયા તરીકેની ઉપમાં ગીતાબા જાડેજાએ હાંસલ કરી છે. ગોંડલ બેઠક માટે તેઓ ફરી રિપીટ થતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...