ધરપકડ:કોટડાસાંગાણી ઔદ્યોગિક વસાહતોમાં ચોરી કરનાર ગેંગ પકડાઇ: 5 ગુનાનો ભેદ ઉકેલાયો

ગોંડલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હડમતાળા, ગોંડલ, શાપરના કારખાના, ગોડાઉનમાંથી ચોરી કર્યાની કબૂલાત : 5ની ધરપકડ
  • કોટડાસાંગાણી પોલીસે બે વાહન સહિતનો રૂ.4.18 લાખનો ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો

કોટડાસાંગાણી પોલીસે ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનાને નિશાન બનાવી તસ્કર ટોળકીના પાંચ શખ્સની ધરપકડ કરી પાંચ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.જેમા હડમતાળા, ગોંડલ અને શાપર વિસ્તારના કારખાના અને ગોડાઉનમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે રૂા.4.18 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ રાજકોટ જીલ્લામાં વધતા જતા આર્થીક ગુનાઓને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા કોટડાસાંગાણી પોલીસ મથકના પી.એસ.આઈ. વી.પી.કનારા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. જેમાં શાપર-વેરાવળનો રવિ જેઠા વાજેલીયા, વીરમદેવસિંહ કિશોરસિંહ જાડેજા, જીગર દિલીપભાઈ રાજપુત, રાજકોટના રૈયાધારનો મનોજ કનુ વાજેલીયા, અનીલ દાના કલાડીયા નામના શખ્સો ગુના કરવાના ઈરાદે શંકાસ્પદ હાલતમાં રખડતા હોવાની હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગોહીલ અને કોન્સ્ટેબલ અજયસિંહ જેઠવાને મળેલી બાતમીના આધારે સ્ટાફે પાંચેય શખ્સોની અટકાયત કરી હતી.

ઝડપાયેલા પાંચેય શખ્સોની પ્રાથમીક પુછપરછમાં ભુણાવાના પાટીયા પાસે ગોડાઉનમાંથી 25 ગુણી ખોળ, લક્ષ્‍મી કોટન મીલમાંથી બે ઈલેકટ્રીક મોટર, શાપર-વેરાવળમાં અમર પીવીસી કારખાનામાંથી લોખંડ, ટેબલ, ફ્રીજ અને હડમતાળામાં બંધ કારખાનામાંથી ચોરીનો પ્રયાસ તેમજ બાગોરા કારખાનામાંથી લોખંડ અને સ્ટીલના સ્પેરપાર્ટની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

તેમજ ઝડપાયેલ જીગર રાજપુત અને વીરમદેવસિંહ જાડેજા ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે. દિવસ દરમ્યાન રેકી કરી બંધ કારખાનામાં મોડી રાત્રે ચોરીના અંજામ આપતા હતા. બે વાહન અને લોખંડ અને સ્ટીલના સ્પેરપાર્ટ મળી રૂા.4.81 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...