ચોરી:ગોંડલ યાર્ડમાં સોયાબિન વેચવા આવેલા ખેડૂતના વાહનમાંથી ચાર લાખની ચોરી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેસાણના ચાલકને ડ્રાઈવર સીટ પાછળ રૂપિયાનું બંડલ રાખવાની સજા મળી
  • સીસીટીવીમાં 40 વર્ષનો યુવાન મેટાડોરમાં ચડતો દેખાતાં તપાસ આરંભાઇ

સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ખેત પેદાશ વેચવા માટે ગોંડલ આવતા હોય અને સાથે પરત જતી વેળાએ રોકડ રકમ પણ લઈ જતા હોય છે ત્યારે મેટાડોરમાં ભેંસાણથી સોયાબિન વેચવા આવેલા ચાલકની ડ્રાઇવિંગ સીટ પાછળથી રૂપિયા ચાર લાખની ચોરી થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ભેંસાણ તાલુકાના રાણપુર ગામે રહેતા અને સ્વરાજ મઝદા ટેમ્પો ચલાવતા સવજીભાઈ ભીખાભાઈ ઢોલરીયા (ઉંમર વર્ષ 45) ચણાકા રહેતા મુકેશભાઈ જીવાભાઈ રામાણીના સોયાબિનના દાણા પોતાના ટેમ્પો રજીસ્ટર નંબર જીજે જીરો એક ટીટી 6955માં ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ વેચવા આવ્યા હતા અને ગેલ કૃપા ટ્રેડિંગ કંપનીના સમીરભાઈ પટોડીયાના કમિશન એજન્ટ મારફત છાપરા નંબર 4 માં માલનો જથ્થો ઉતાર્યો હતો તેના એડવાન્સ રૂપિયા ચાર લાખ કાગળના છાપામાં વીંટી પ્લાસ્ટિકની ઉપર ટેપ મારી મેટાડોરની ડ્રાઇવર સીટની પાછળ રૂપિયાનું બંડલ રાખી દીધું હતું.

દરમ્યાન દુકાન નંબર 150 ભાદાણી બ્રધર્સમાં ખાલી બારદાન અને દુકાન નંબર 59 મારુતિ ટ્રેડર્સના ભરતભાઈ ગણાત્રા પાસે પ્લાસ્ટિકની કોથળી તથા સુતરી લેવા ગયા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્શે મેટાડોરમાંથી રૂપિયા 4 લાખ ચોરી કરી લઇ જતાં સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાદાર વિશાલ ગઢાદરા દ્વારા તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા માર્કેટિંગ યાર્ડનું સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા આશરે 40 વર્ષની ઉંમરનો કોઇ અજાણ્યો શખ્સ મેટાડોરમાં ચડતો જણાતો હોય સીસીટીવી ફૂટેજના આધારે તેની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...