અદાલતનું તારણ:ગોંડલના શ્રીનાથગઢના પૂર્વ સરપંચનો એટ્રોસિટી એક્ટના ગુનામાં છુટકારો

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PGVCLના અધિકારીએ ખોટો કેસ કર્યો હોવાનું અદાલતનું તારણ
  • ગામલોકોએ જ અધિકારીની બદલી કરાવવા સર્વાનુમતે ઠરાવ કર્યો હતો

ગોંડલ તાલુકાના શ્રીનાથ ગઢ ગામના પૂર્વ સરપંચ વિરુદ્ધ પીજીવીસીએલના કર્મચારી દ્વારા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં ન્યાયમૂર્તિએ પૂર્વ સરપંચને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો. નોંધનીય છે કે જે તે સમયે અધિકારી દાદાગીરી કરતા હોવાથી તેની બદલી કરવા ગામલોકોએ જ સાથે મળીને ઠરાવ કર્યો હતો અને તેમાં સહી પુર્વ સરપંચની હતી આથી અધિકારી ગિન્નાયા હતા અને તેમની સામે કેસ દાખલ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આશરે પાંચ વર્ષ પહેલા દિલીપભાઈ ગોગનભાઈ મકવાણા પી.જી.વી.સી.એલ. શ્રીનાથગઢમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે જે તે વખતના શ્રીનાથગઢ ગામના સરપંચ છગનભાઈ સોરઠીયાએ ફરીયાદીને અવાર નવાર ખોટા કામ કરવા માટે દબાણ કરતા હોય તેમજ પોતાના ઘરે પાવર ચોરીની વ્યવસ્થા કરી આપવા જણાવતા ફરિયાદીએ ના પાડી હતી.

આથી ફરિયાદી જ્યારે બાંદરાથી શ્રીનાથગઢના ગોંદરે મોટરસાયકલ લઈને પહોંચ્યા ત્યારે તે વખતના સરપંચ છગનભાઈ સોરઠીયાએ તેનુ મોટરસાયકલ આડું રાખીને એવું કહ્યું હતું કે તને ના પાડી હોવા છતાં તું નોકરીએ આવ્યો, તું બદલી કરાવીને ગમે ત્યાં જતો રહે, બાકી તને જાનથી મારી નાખીશ અેમ કહીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ફરિયાદીએ આ અંગે ફરિયાદ કરી હતી અને તપાસનીશ અધિકારીએ તપાસ પૂર્ણ કરી આરોપી વિરૂધ્ધ સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને કેસ ચાલ્યો હતો.

આ કેસમાં આરોપી તરફે શિવપ્રસાદ પી. ભંડેરીએ એવી રજૂઆત કરી હતી કે આરોપી સામે ફરિયાદમાં જણાવેલી કલમોનો પ્રથમ દર્શનીય કેસ બનતો નથી. ફરિયાદી તેની ફરજમા બેદરકારી દાખવતા હોય અને તે બાબતે ગામલોકો ફરીયાદીને રજૂઆત કરતા ફરિયાદી એટ્રોસિટીના કેસમા ફીટ કરાવી દેવાની ધમકી આપતા જે અંગેની ગામ લોકોએ શ્રીનાથગઢ ગ્રામપંચાયતમા રજૂઆત કરતા ગામસભા બોલાવી ફરિયાદીની બદલી શ્રીનાથગઢ ગામથી અન્ય કોઈ જગ્યાએ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લઈ ઠરાવ કર્યો હતો.

જે ઠરાવમાં આરોપીએ સરપંચ તરીકે સહી કરી હતી, તેનો ખાર રાખી ફરિયાદીએ ખોટી ફરીયાદકરેલ છે. આ રજૂઆતોને ધ્યાને લઈ ગોંડલના સેશન્સ જજ એચ.પી.મહેતાએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...