ગોંડલ તાલુકાના રીબડા ગામે આવેલ ઉમિયાજી ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં પ્લાસ્ટિકના પાઈપ બનાવતા કારખાનામાં ત્રાટકી ચડ્ડી-બનીયાનધારી ગેંગે 14.85 લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી પોલીસ તંત્રને ખૂલ્લો પડકાર ફેંક્યો છે. ત્યારે આ ગેંગને નાથવા માટે ગોંડલ તાલુકા પોલીસ અને એલસીબી દ્વારા અલગ અલગ પાંચ ટીમ બનાવી ગોંડલ પંથકમાં આવેલ ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં મજૂરી કામ કરતાં આદિવાસીઓ અને ખેતમજૂરો ઉપર તપાસ કેન્દ્રીત કરી અનેકની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો વિગત મુજબ, રાજકોટના મવડી ખાતે આવેલ ડ્રીમસીટીમાં રહેતા અને રીબડા પાસે ઉમિયાજી ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં ટેરાફ્લો નામનું પ્લાસ્ટિકના પાઈપ બનાવવાનું કારખાનુ ધરાવતા પિયુષ સુભાષભાઈ રાણિપા (ઉ.વ.36)એ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બુકાનીધારી પાંચ ચડ્ડી-બનિયાનધારી શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, રવિ-સોમની રાત્રે ફરિયાદીના કારખાનાને ચડ્ડી-બનિયાનધારી ગેંગે નિશાન બનાવી પાછળની બારીની ગ્રીલ તોડી ઓફિસમાં ટેબલના ખાનામાં રાખેલ રૂા.14,85,900ની રોકડ રકમ ઉઠાવી ગયા હતા. જેના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ચડ્ડી-બનિયાનધારી ગેંગને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી એલસીબી, એસઓજી અને ગોંડલ તાલુકા પોલીસની અલગ અલગ પાંચ ટીમો બનાવી સીસીટીવી ફુટેજ, કોલ ડીટેઈલ તેમજ શાપર-વેરાવળ, હડમતાળા, રીબડા સહિતના ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં મજૂરી કામ કરતાં આદિવાસીઓની માહિતી એકઠી કરી તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ પંથકમાં ખેતમજૂરી કરતાં આદિવાસીઓની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.