ગોંડલ શહેર તેમજ પંથકમાં સતત બે દિવસથી વીજળીના કડાકા સાથે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તાલુકાના વેજાગામ, બીલીયાળા, રીબડા, અનિડા, ભુણાવા સહિતના ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ગોંડલ તાલુકાના વેજાગામે ગામે પણ ગઈ કાલે એકથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું હતું. તેથી વેજાગામમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
છેલ્લા 2 દિવસથી સતત વરસાદ
કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. વેજાગામના અરવિંદ ભાલાળાએ જણાવ્યું હતું કે, મુખ્ય રવિ પાક ચણા, ઘઉં, ધાણા, લસન, ડુંગળી, જીરૂ, એરંડા, મરચા સહિતના પાકોમાં 90% જેવું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સરકાર વહેલીમાં વહેલી તકે સહાય કરે તેવી માગ કરવામાં આવી છે. વેજાગામના અન્ય એક ખેડૂત સતીષ અઘેરા જણાવ્યું હતું કે, તેઓએ 7 વીઘામાં ઘઉંનું વાવેતર કરેલું હતું. છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલા વરસાદને લઈને 7 વીઘામાં ઉગાડેલ ઘઉંનો પાક બગડી જવા પામ્યો છે. આ ઉપરાંત અન્ય ખેડૂતોને પણ ઘણું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.
ડે.કલેક્ટર, ધારાસભ્ય,સાંસદને રજૂઆત
વેજાગામમાં સતત બે દિવસથી આશરે 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગામના ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે. સરપંચ, સદસ્યો અને ખેડૂતોએ ડેપ્યુટી કલેકટર, ધારાસભ્ય અને પોરબંદર સાંસદને રજૂઆત કરી હતી. વહેલી તકે સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી હતી તેમ સરપંચના પ્રતિનિધિ જીતુ ભાલાળાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.