ગોંડલમાં આકસ્મિક મોતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગોંડલ ભગવતપરા વિસ્તારમાં આવેલા નદીવાળા ખોડીયાર માતાજીના મંદિર પાસે નદીના પટમાં પુરુષની લાશ જોવા મળી હતી. આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરી બોલાવાઈ હતી. મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ ફોરેન્સિક લેબ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગોંડલ શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી.
યુવાનની શોધખોળ હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રેલવે સ્ટેશન પાછળ રહેતા મનીષ બાબુ માંડવીયા (ઉ.વ. આશરે 37 વર્ષ) યુવાન છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતાં. પરિવારના સભ્યોએ ગુમ થયેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. આજે સવારે યુવાનનો મૃતદેહ ગોંડલી નદીના પટમાંથી મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને ગોંડલનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર સ્ટાફ દ્વારા મૃતક પુરુષના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
ત્રણ ભાઈઓમાં સૌથી નાના
આ અંગે ગોંડલ સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને પી. એમ. ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ ફોરેન્સિક પી.એમ. માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. મૃતક મનીષ બેરિંગના કારખાનામાં છૂટક મજૂરી કામ કરતા હતાં. પરિવારમાં માતા અને ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતાં. યુવાનના પિતાનું આશરે દોઢ મહિના પહેલા અવસાન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.