સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવકની દ્રષ્ટિએ ગુજરાતનું પણ નંબર વન થઈ ગયું છે ત્યારે શરૂ થયેલા નવા વર્ષમાં વિકાસની ખેડૂત અને વેપારીઓલક્ષી અનેક યોજનાઓ શરૂ કરવાનો આશાવાદ ચેરમેને વ્યક્ત કર્યો છે.
યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની નિગરાની હેઠળ અને યાર્ડના ડિરેક્ટરોના સહયોગથી યાર્ડ ખૂબ વિકાસ પામ્યું છે, પરંતુ શરૂ થયેલા નવા વર્ષમાં એટલેથી જ સંતોષ ન માની લઈ અનેકવિધ વિકાસ યોજનાઓને આકાર આપવામાં આવનાર છે.
હાલ જેની ડોક્યુમેન્ટેશન પ્રક્રિયા ચાલુ છે, એ પ્રમાણે ભારત દેશની માર્કેટિંગ યાર્ડની અદ્યતન લેબોરેટરી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સ્થપાશે, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જમવા માટેની કેન્ટીન થ્રી સ્ટાર હોટેલ જેવી થશે અને ખેડૂતોને રહેવા માટેની ગેસ્ટ હાઉસ ની વ્યવસ્થા છે તેને પણ અદ્યતન બનાવમાં આવશે.
દરેક ખેડૂતનો વીમો લેવાશે
ગોંડલ તાલુકાના દરેક ખેડૂતોનો પાંચ લાખ રૂપિયા નો વીમો લેવામાં આવશે, એમાં જે મુખ્ય ઘરની વ્યક્તિ હશે એનો વીમો દસ લાખ રૂપિયાનો કરવામાં આવશે, માર્કેટિંગ યાર્ડએ વર્ષ 2022માં 40 વીઘા જમીન ખરીદી લીધી છે અને હજુ યાર્ડની આગળની ગુજરાત એગ્રો. ની 40 વીઘા જમીન ખરીદ કરવાની છે એટલે ટોટલ 100 વીઘા જમીનની ખરીદી થઈ જશે.
સ્વચ્છતાનું કડકપણે પાલન કરાવાશે
માર્કેટિંગ યાર્ડની અંદર એક્સપોર્ટરોને બોલાવવા હોય તો ચોમેર જે ગંદકી પથરાયેલી રહે છે તેના લીધે આપણી છાપ ખરાબ થઇ રહી છે. આથી જ્યાં ત્યાં થૂંકવાની, કચરો ફેંકવાની જે પરંપરા ચાલુ છે તે બંધ કરાશે. એપીએમસીની બ્રાન્ડની 1,000 થી વધુ કચરાપેટી તૈયાર કરી છે જેથી સ્વચ્છતાનું કડક માં કડક પાલન શરૂ કરવામાં આવશે. એકદમ ચોખ્ખું માર્કેટિંગ યાર્ડ હોય તો દેશની ટોપ કંપનીના પ્રતિનિધિઓને ખરીદી કરવા માટે આવકારી શકાય.
યાર્ડ જણસીનું માર્કેટિંગ શરૂ કરશે
ગોંડલ માર્કેટિંગ યાર્ડ પોતે માર્કેટિંગની ઓફિસ શરૂ કરશે જેમાં ધાણા, મરચાં સહિતની જણસીઓનાં સ્પેસિફિકેશન તૈયાર કરવામાં આવશે જેથી કરીને ભારત દેશની ટોપ કંપનીઓ અને એક્સપોર્ટ કરતી કંપનીઓ પણ ખરીદી માટે આવી શકે અને અહીંની જણસીઓ પોતાની ક્વોલિટી મુજબનું માર્કેટ પામી શકે.ગોંડલ યાર્ડ એવું યાર્ડ બનશે કે જેમાં રોજના 25000 થી વધુ ખેડૂતો આવે છે જે તમામ લોકોને નિશુલ્ક મિનરલ વોટર ઠંડા જગમાં પીવા માટે મળશે.
માલ પરિવહનનો ખર્ચ ઘટશે
દેશનું કોઈ માર્કેટિંગ યાર્ડ એવું નહીં હોય કે જેની અંદર કોર્પોરેટ ઓફિસ હોય! જેની સામે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કોર્પોરેટ ઓફિસો બનાવવામાં આવશે અને સાથે સાથે એની અંદર એક ઓફિસ રેલવે વિભાગની થશે જેથી કરીને જે વેપારીઓ ટ્રકમાં માલ બહાર મોકલે છે તેને પરિવહન ખર્ચ મોંઘો પડી રહ્યો છે તેઓ ટ્રેન મારફત ડુંગળી લસણ બહારના પ્રદેશોમાં મોકલી શકશે અને તેમાં તેઓને પૂરું વળતર મળતું થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.