અંકલેશ્વરની એક ફાર્મા કંપનીમાં કામ કરતા નવ યુવાન કારમાં ફરવા માટે સેલવાસ ગયા હતા. શુક્રવારે રાતે ત્યાંથી પરત આવતી વેળાએ મળસ્કે 3.20 વાગ્યાના અરસામાં પરથાણ નજીક નાઝ હોટેલની સામે હાઈવે પર કારના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર કુદાવી કાર બીજા ટ્રેક ઉપર નવસારી તરફ જતી લકઝરી બસની સાથે અથડાઇ પડી હતી.
આ અકસ્માતમાં ગોંડલના ગુંદાળાના ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા (ઉં.વ.24) અને ધોરાજીના ભાદાજાળિયા ગામના જયદીપ કાંતિભાઈ પેથાણી (ઉં.વ.25)નું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બન્ને પાકા મિત્રો હતા. રવિવારે બન્ને મિત્રોની પોત પોતાના ગામમાંથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં બન્નેના પરિવાર હીબકે ચડ્યા હતા. કંધોતર દીકરા ધર્મેશની અર્થીને પિતા પ્રકાશભાઈએ કાંધ આપતાં ભારે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં.
ધર્મેશ પિતાનો એકનો એક પુત્ર હતો
ગુંદાળામાં રહેતા પ્રકાશભાઈ શેલડિયાને સંતાનમાં એક પુત્ર ધર્મેશ અને એક પુત્રી છે. પરંતુ ધર્મેશનું અકસ્માતમાં મોત થતા પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો છે. ધર્મેશના કાકા જીતુભાઈ શેલડિયાએ જણાવ્યું હતું કે, ધર્મેશ પરિવારમાં એકનો એક આધારસ્તંભ હતો. ધર્મેશનો ચહેરો સદાય હસતો રહેતો હતો. તેને પરિવારમાં અમે જોકર કહીને બોલાવતા હતા.
ધર્મેશના પિતા ખેતીકામની સાથે સેન્ટિંગનું કામ કરી ગુજરાન ચલાવતા હતા. ધર્મેશે BMSC કેમિકલ સુધીનો અભ્યાસ કર્યો છે. તે અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો, ફાર્મામાં પ્રોડક્શન ઓફિસર ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.