ગોંડલથી 4 કિલોમીટર દૂર ઘોઘાવદર રોડ ઉપર આવેલું ધારેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે. શ્રાવણ મહિના દરમિયાન અહીં ભાવિકોનો સમંદર ઘુઘવે છે. લગભગ 250 વર્ષ પુરાણુ મનાતું આ શિવાલયનું વાતાવરણ પવિત્ર શ્રાવણ માસમાં શિવમય બની જાય છે. રાજાશાહી વખતમાં આ મંદિર માટે ગોંડલ સ્ટેટ દ્વારા 150 વીઘા જમીન આપવામાં આવેલી. પ્રજા વત્સલ રાજવી સ્વર્ગસ્થ ભગવતસિંહજી દર સોમવારે અહીં દર્શનાર્થે આવતા. સમયાંતરે મંદિરનો પણ વિકાસ થવા લાગ્યો વર્તમાન મહંત પૂજારી ગુણવંતગીરીજી અહીં સેવા પૂજા વિગેરે કાર્યો કરે છે,જે પાંચમી પેઢી ગણાય છે .
અગાઉની પેઢી માહેના 11 પૂર્વજોને અહીં જ સમાધિ આપવામાં આવી છે. વિશાળ પટાંગણ ધરાવતા આ પરિસરમાં અંબાજીનું મંદિર પણ છે .તદુપરાંત ગોંડલના પ્રખ્યાત ગૌ પ્રેમી સંત સ્વર્ગસ્થ રામગર બાપુનું સ્મૃતિ મંદિર અહીં બનાવાયું છે .અત્યારે જ્યાં યજ્ઞ કુંડ છે ત્યાં અગાઉ ભોંયરૂ હતું, ત્યાં જૂના સમયમાં મહંતો ધુણો ધખાવી અલખ જગાવતા. ભીલવાડા રાજસ્થાન પંથકના બાલકૃષ્ણ શર્મા નામના બ્રાહ્મણ છેલ્લા 38 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન અહીં આવી પહોંચે છે.
શ્રાવણ માસ પર્યંત દરરોજ પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના પૂજન- અર્ચન કરે છે અને શ્રાવણ માસ પૂર્ણ થતાં વતન પરત જાય છે. અહીં આવેલા લીમડાના વૃક્ષો પૈકી એક લીમડામાં એક મીઠી ડાળ છે, જેને ભક્તો શિવજીનો સાક્ષાત્કાર માને છે. શ્રાવણમાં સિવાય વાર તહેવારે કે રજાના દિવસોએ પણ માનવ મહેરામણ ઉમટે છે.
સુરેશ્વર મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમ
ગોંડલના વેરી તળાવની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરનું અતિ પ્રાચીન પૌરાણીક સ્વયંભુ શિવાલય સુરેશ્ર્વર મહાદેવ બિરાજમાન છે. શ્રાવણ માસના શુભારંભ સાથે અનેકાનેક આયોજનો ઘડી કાઢવામાં આવ્યા છે. જેમાં આરતીનો સમય રાત્રીના 3 વાગ્યે,સવારે 5 વાગે તથા 6 વાગે, બપોરે 12 વાગે સાંજે 7 વાગ્યે રહે છે. વહેલી સવારથી લઈ મોડી રાત સુધી મંદિરમાં હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે છે.સવારે 8 વાગ્યા થી બપોરના 12 વાગ્યા સુધી સુરેશ્વર મહાદેવજી ની પંચવકત્ર પૂજા થાય છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લે છે. બપોરે 12 લઘુરુદ્ર ની મહા આરતી થાય છે. શ્રાવણ માસ દરમ્યાન મંદિર પરિસરમાં જય શામ્બના નાદ થી ગુંજી ઉઠે છે. છેલ્લા 41 વર્ષથી સુરેશ્ર્વર મહાદેવ મંદિરમાં નિયમત પુજા સેવા કરી રહેલા હરેશભાઈ વ્યાસ વગેરે જણાવે છે કે મંદિર 328 વર્ષ પુરાણું છે. સ્વયંભુ શિવલીંગ પ્રગટ્યલું હોવાની કથા છે ગોંડલના રાજવી સર ભગવતસિંહ પણ નિયમીત સુરેશ્ર્વર મહાદેવના દર્શન માટે આવતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.