દિલ્હીથી કેટલાક ઠગો દ્વારા દેશભરના યુવાનો-વૃદ્ધોને લાલચ આપી છેતરપિંડી કરવાના કિસ્સાઓ અનેકવાર બનતા હોય છે. ત્યારે ગોંડલના યુવાનને ડોમિનોઝ કંપનીની ફ્રેન્ચાઇસી આપવાનું જણાવી રૂપિયા 33.42 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. જ્યારે બીજા એખ કિસ્સામાં ગોંડલમાં પરિણીતાને દહેજ બાબતે મેણા ટોણા મારી સાસરિયાઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ઠગે લાલચ આપી 33.42 લાખની છેતરપીંડી આચરી
ગોંડલ શહેરના ભવનાથનગર જીઈબી પાછળ રહેતા અને ગુંદાળા ચોકડી પાસે રોયલ ઈનફિલ્ડ કંપનીનો શોરૂમ ધરાવતા જયેન્દ્રસિંહ કરુભા જાડેજાને દિલ્હીના ઠગે domino's કંપનીની ફ્રેન્ચાઇઝ આપવાનું જણાવી ગત વર્ષ દરમિયાન જુદા જુદા સમયે બેંક ટ્રાન્જેક્શન કરાવી રૂપિયા 33.42 લાખની છેતરપિંડી કરી લેતા જયેન્દ્રસિંહ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આઈપીસી કલમ 406, 420, 114 તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કલમ 66 સી, 66 ડી મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદમાં જયેન્દ્રસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા વર્ષ 2020માં ડોમિનોઝ પિઝાની ફ્રેન્ચાઇસી મેળવવા માટે અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી કોઈ વળતો જવાબ મળ્યો ન હતો. થોડા સમય પહેલાં રાજેશ ગુપ્તા નામે ડોમિનોઝ પિઝાની કંપનીમાંથી મોબાઈલ ફોન આવ્યો હતો અને ફ્રેન્ચાઇઝ આપવાનું જણાવ્યું હતું. તેના દ્વારા ઈમેલ અને ઇન્ટરનેટ ઉપર પાર્ટનર એન્ડ ડોમિનોઝ ફ્રેન્ચાઇસી અને જુબિલન્ટ ફૂડ વર્ક લિમિટેડની ખોટી સાઈટો દેખાડવામાં આવી હતી. જ્યાં વિશ્વાસ કેળવી અને જુદા જુદા સમયે બેંક ટ્રાન્જેક્શનથી કુલ રૂપિયા 33 લાખ 42 હજાર 98ની છેતરપિંડી કરવામાં આવી હતી.
પત્નીને માર મારતા સાસરિયા સામે ફરિયાદ
ગોંડલ શહેરના કૈલાશબાગ રાધે સેનેટરીવાળી શેરીમાં રહેતા શકીનાબેન હઝેફાંભાઈ ભારમલે પોતાના પતિ હઝેફા, સસરા સબીરભાઈ, સાસુ શરીફાબેન અને નણંદ અરવાબેન વિરુદ્ધ દહેજ બાબતે મેણા ટોણા મારી માર મારવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી કલમ 498, 323, 504, 114 અને દહેજ ધારા કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પરણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓના નિકાહ બાદ 15 દિવસ સારી રીતે સાસરિયાઓ દ્વારા સાચવવામાં આવ્યા હતા. બાદમાં પતિ, સાસુ, નણંદ સહિતનાઓ દ્વારા કરિયાવર બાબતે મેણા ટોણા મારવામાં આવતા અને કહેવામાં આવતું હતું કે, તું ભૂખેલની દીકરી છો કરિયાવરમાં કશું લાવી નથી. બાદમાં અવાર નવાર ઝઘડો કરી ઢીકાપાટુંનો માર મારવામાં આવતો હતો. જેથી કરીને ના છૂટકે તેઓને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.