કોર્ટનો આદેશ:ગોંડલમાં હોસ્પિટલના ગેરકાયદે બાંધકામને તોડવા કોર્ટનો આદેશ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ઢીલી નીતિ સામે ગોંડલના રાજવી અરજદાર બન્યા
  • બાંધકામના બે માળ ​​​​​​​તોડવા, બાકીના માળ પર સ્ટે ફરમાવાયો

ગોંડલમાં આડેધડ બાંધકામોમાં દલાતરવાડી જેવી નીતિ અપનાવાઇ હોવાની ઘટનાઓ વચ્ચે અદાલતે આકરુ વલણ દાખવતા નગર પાલીકા તંત્રને દોડાદોડી થવા પામી હતી.અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

શહેરના પોશ વિસ્તાર ગણાતા મહાદેવવાડીના ન્યાયમંદિર રોડ પર ૨૨૫ ચો.મી.જગ્યામાં નિયમોની ઐસીતૈસી કરી ડોક્ટર વિપુલ વેકરીયા દ્વારા પોતાની હોસ્પિટલ માટે સાત માળનુ બાંધકામ કરાતું હોય પાલીકા દ્વારા નોટિસ અપાઇ હોવા છતા બાંધકામ ચાલુ રહેતા આ વિસ્તારમાં સલામતીના મુદે ઉચાટ ફેલાતા આખરે ગોંડલ રાજવી હિમાંશુસિંહજીએ અદાલતમાં અરજ કરતા અદાલતે જોખમી એવા ગેરકાયદેસર ચણાયેલા બે માળના બાંધકામને તોડી પાડવા હુકમ ફરમાવી એકથી પાંચ માળના બાંધકામને જે છે તે સ્થિતિમાં રાખવા સ્ટે ફરમાવ્યો હતો.

અદાલતના હુકમ સામે ડો.વિપુલ વેકરીયાએ એડી.ડિસ્ટ્રિક્ટ જજ ની અદાલતમા અપીલ કરતા અદાલતે તેમની અપીલ અમાન્ય રાખી ફગાવી દીધી હતી.દરમ્યાન ડો.વિપુલ વેકરીયા એ હાઇકોર્ટ નો આશરો લેતા સુનવણી હાથ ધરાઇ હતી.

જેમા હાઇકોર્ટ દ્વારા નગરપાલીકાના ચિફ ઓફિસરનો ઉધડો લઈ ગેરકાયદેસર બાંધકામની ગંભીર નોંધ લઇ નીચલી અદાલતના હુકમની અમલવારી શા માટે ન કરી તેવો સવાલ કરી તંત્રની ઝાટકણી કાઢી ગેરકાયદેસર બાંધકામ તોડીપાડી તા.૮ /૯/૨૨ ની મુદત મા તેનો રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી હતી. હાઇકોર્ટનાં આકરા વલણથી નગરપાલીકા તંત્ર દોડતુ થયુ હતુ. અને ચકચારી બનેલી ડોક્ટરની બિલ્ડીંગનુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટના અંગે પાલીકા તંત્રે એવો બચાવ કર્યો હતો કે ડો.વિપુલ વેકરીયાને હોસ્પિટલના બિલ્ડીંગ માટે પાંચ માળ માટે ૨૨૦ ચો.મી.જગ્યા પૈકી દરેક માળે ૬૨ ચો.મી.નુ બાંધકામ કરવા તથા માર્જિનની જગ્યા ચારેય તરફ ખુલ્લી રાખવા મંજુરી અપાઇ હતી.પરંતુ ડોક્ટરે નિયમો નુ ઉલ્લઘન કરી ૨૧૪ ચો.મીટરનુ બાંધકામ દરેક માળે ખડકી દઇ ગેરકાયદેસર બાંધકામ કર્યુ હતુ.આ અંગે નગરપાલીકા દ્વારા નોટિસ પણ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...