વિવાદ:મેતા ખંભાળિયામાં વૃદ્ધાને બૂથ સુધી લઈ જવા મુદ્દે પોલિંગ એજન્ટસ વચ્ચે બઘડાટી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધા અન્ય મહિલાને મતદાન કરવા સાથે લાવતાં હરીફ એજન્ટસએ ઉઠાવ્યો વાંધો‎
  • બે જૂથના શખ્સોએ મતદાન મથકમાં આવી બબાલ કરતાં ગુનો નોંધાયા‎

ગોંડલ તાલુકાના મેતાખંભાળીયા ગામે રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વૃદ્ધાને મતદાન મથકે લઈ જવા બાબતે બન્ને જૂથના પોલીંગ એજન્ટસ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ અંગે પોલીસ મથકમાં અલગ અલગ બે ગુનાઓ નોંધાયા હતા અને તેના આધારે પોલીસે કાર્યવાહી અારંભી હતી.

મેતાખંભાળીયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રિસાઈન્ડીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હરેશભાઈ વાઘડીયાએ મેતાખંભાળીયાના સમજુબેન જેન્તીભાઈ રાઠોડ, વિજયભાઈ ભાવસંગભાઈ ગોધાણી, ભાવેશ જીતુભાઈ ગોધાણી, સામત પીઠાભાઈ ભરવાડ, જગદીશ જીવાભાઈ ગોધાણી, પરેશ ધીરૂભાઈ ગોધાણી તથા મનદીપ રાજાભાઈ સુરાણી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં જણાવ્યુ હતું કે સમજુબેન પોતાની સાથે મહિલાને મતદાન મથકની અંદર મતદાન કરવા સાથે લાવતા આ બાબતે હરીફ ઉમેદવારના પોલીંગ એજન્ટો વિજય તથા ભાવેશે વાંધો ઉઠાવતા બન્ને પક્ષે બોલાચાલી બાદ ઝઘડો થતા અન્ય આરોપીઓએ મતદાન મથકમાં આવી ઝઘડા કરી ગેરવર્તુણક કરી મતદાનની ગુપ્તતા જાળવી ન હતી

આ ફરિયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ઉકત સાતેય સામે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે બીજી બાજુ મેતાખંભાળીયા ગામે રહેતા સમજુબેન જેન્તીભાઈ રાઠોડએ તે જ ગામના વિજય બાવસીંગભાઈ ગોધાણી, ભાવેશ જીકુભાઈ ગોધાણી, સામત ભીખાભાઈ ભરવાડ, જગદીશ જીવાભાઈ ગોધાણી, પરેશ ધીરૂભાઈ ગોધાણી તથા મનદીપ સુરાણી સામે ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી મોટી ઉંમરના વૃદ્ધા મીણાબેનને મતદાર કુટીર સુધી મતદાન કરવા લઈ જતા હતા ત્યારે બૂથ પરના પોલીંગ એજન્ટ વિજયએ તેનો વિરોધ કરી ફરિયાદી તથા સાહેદને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ પોલીંગ એજન્ટ ભાવેશ તથા અન્ય આરોપીઓએ બહારથી આવી ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદ અન્વયે પોલીસે એટ્રોસિટી એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...