ગોંડલ શહેર GSTનાં કૌભાંડનુ હબ ગણાવા લાગ્યું હોય તેમ ગોંડલમાં બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે જીએસટી અધિકારીઓ દ્વારા ઠેરઠેર દરોડાનો દોર જારી રહ્યો છે. ત્યારે બુધવારે બપોરના સુમારે ગોંડલ શહેરનાં ગોકુલધામ સોસાયટીમાં CGSTનાં અંદાજે 10 જેટલા અધિકારી, કર્મચારીઓએ એક રહેણાંકમાં દરોડો પાડ્યો હતો.
દિવ્ય ભાસ્કરને મળતી માહિતી મુજબ, CGSTની ટીમે જે મકાનમાં દરોડો પાડ્યો હતો, તે મકાનમાં રહેતો પરિવાર સ્ટીકરનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે. હકીકત એવી છે કે CGSTનાં હિન્દી બોલતા અધિકારીઓ સીધા જ આ ઘરમાં આવી ચડ્યા હતા અને પરીવારજનોને આપકા લડકા કહાં પર હૈ? ક્યાં બિઝનેશ કરતા હૈ? જેવા પ્રશ્નો પૂછવા લાગ્યા હતા. ત્યારબાદ આસપાસનાં લોકો પાસેથી વિગત મેળવતા CGSTની ટીમ ખોટી જગ્યાએ દરોડો કરવા પહોંચી હોવાની માહિતી મળી હતી.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળ પ્રમાણે ગોંડલનાં તેલિયા રાજાઓએ GST મુદે કરેલા કૌભાંડોને આધારે ગોંડલમાં GST ટીમના દરોડા ચર્ચાસ્પદ રહે છે. આ વખતે પણ CGSTનાં અધિકારીઓ આ જ પ્રમાણે માહિતી મેળવીને પામ ઓઈલનાં વ્યવસાય સાથે સંકળાયેલા અને ઉદ્યોગનગરમાં ગોડાઉન અને શહેરનાં ગોકુલધામ વિસ્તારમાં જ રહેણાંક ધરાવતા એક વેપારીને ત્યાં દરોડો પાડવા માટે આવ્યા હતા. પરંતુ CGSTની ટીમ પાસે રહેલી અધુરી વિગતોનાં લીધે કોઈ કારણ વિના જ એક નિર્દોષ પરીવારનાં રહેણાંક પર દરોડો પાડવામાં આવ્યો હતો અને મળતી માહિતી મુજબ તે રહેણાંકની ઘરવખરીને પણ અસ્ત-વ્યસ્ત કરીને CGST ટીમને પોતાની ભૂલનો અનુભવ થતા કંઈપણ બોલ્યા વિના ખરી જગ્યાએ સામેના મકાનમાં જ દરોડો પાડવા માટે નીકળી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે અધિકારીઓની અધુરી માહિતીનાં લીધે કોઈ નિર્દોષ પરિવારનાં ઘર પર આ પ્રકારનાં દરોડાઓ પડે અને પરિવારને કાંઇપણ નુકસાન થાય તો તેની જવાબદારી આવા અર્ધજ્ઞાની અધિકારી-કર્મચારીઓ વતી CGST લેશે કે કેમ? તે પ્રશ્ન સમગ્ર ગોંડલ પંથકમાં લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.