ગોંડલ શહેર અને પંથકમાં જાણે યમરાજાએ પડાવ નાખ્યા હોઈ તેમા વર્ષ 2023 ના પ્રથમ દિવસે ગોંડલમાં અપમૃત્યુના બે બનાવ બન્યા હતા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાછળ આવેલી વાડીમાંથી પરપ્રાંતીય યુવકે ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું તો બીજા બનાવમાં આશાપુરા ડેમમાંથી એક યુવકની પાણીમાં તરતી લાશ મળી આવી હતી. બન્નેના મૃતદેહને ગોંડલ સિવિલમાં પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલૂકા પોલીસ સ્ટેશન પાછળ રમેશભાઈ રૂપારેલિયાની વાડીમાં પરપ્રાંતીય મજૂર યુવાન નરેશ નાનશીંગ ગેડીયા (ઉ.વ. 20) (રહે. પીતોલ મધ્યપ્રદેશ) નામના યુવાને ઝાડ પર સુતરની દોરી વડે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતક બે વર્ષથી વાડીમાં છૂટક મજૂરીકામ કરતો હતો. તેના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર ઘટનાને લઈને સિટી પોલીસ જમાદાર આર.ટી. પરમારે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક અપરણિત હતો તેના પરિવારમાં માતા પિતા અને પાંચ ભાઈઓ અને એક બહેન છે. યુવકના આ પગલાંથી પરિવાર સ્તબ્ધ બની ગયો હતો.
બીજી ઘટનામાં આશાપુરા ડેમ ખાતે પાણીમાં એક યુવાનનો મૃતદેહ તરતો હોવાની ગોંડલ ફાયર સ્ટેશનમાં જાણ થતાં જ તરવૈયાની ટીમ આશાપુરા ડેમ ખાતે પહોંચી હતી અને યુવાનનો મૃતદેહ બહાર કાઢી તેની ઓળખ મેળવવા ગોંડલ શહેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા તે યુવાન ભાવેશ રમેશભાઈ અઘેરા (ઉ.વ. આશરે 35) હોવાનું બહાર આવ્યું હતું. તેના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પી.એમ.માટે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.