ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે એક વર્ષ પહેલાં ભાદર ડેમના કાઠે અજાણી સ્ત્રીનો નિઃવસ્ત્ર અને કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાના કારણે મોત થયાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આરોપી પતિ ઝડપાઈ જતા તેણે પોલીસ સમક્ષ પોપટ બની હત્યા નિપજાવી હોવાનું કબૂલ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, એક વર્ષ પહેલાં ગોંડલ તાલુકાના શીવરાજગઢ ગામે પરેશભાઇ છગનભાઇ વોરાની વાડીના શેઢે ભાદર ડેમના કાંઠે એક અજાણી સ્ત્રીનો મૃતદેહ નિઃવસ્ત્ર હાલતમાં મળી આવતા મૃતદેહને ફોરેન્સિક લેબોરેટરી રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ એફ.એસ.એલ. કચેરી તરફથી પૃથ્થકરણ અહેવાલ આવતા જેમાં મરણજનારના પોસ્ટમોર્ટમમાં “ડાયટમ્સ”ની હાજરી મળી આવેલ ન હોય અને મરણજનારની મૃતદેહ ભાદર ડેમના કાંઠે પાણીમાંથી મળી આવેલ હોય જેથી ડોકટર કેમીકલ એનાલીસીસ રીપોર્ટ સાથે મરણજનારના મોત વિશે ચોક્કચ અભીપ્રાય મેળવતા મહિલાનું મોત માથાના ભાગે ઇજા થવાથી થયું હોવાનું જણાવ્યું હતું, આમ આ અજાણી મલિહનું મોત મોત અકસ્માત કે આત્મઘાત નહીં, પરંતુ કોઇએ કોઇપણ રીતે કોઇપણ કારણોસર આ અજાણી સ્ત્રીનું મોત નીપજાવી હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવી દેવા માટે મહિલાની મૃતદેહને ભાદર ડેમના પાણીમાં ફેંકી દિધેલ હોય તેથી તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
તાલુકા પોલીસે માહિતી મેળવી હતી કે, મગનભાઇ રામજીભાઇ કુંજડીયાની વાડીએથી બનાવના પાંચ-સાત દીવસ પહેલા એક મજુર કોઇને કહ્યા વગર રાતોરાત પોતાનો સામાન મુકીને નીકળી ગયો છે અને હજુસુધી પોતાનો સામાન લેવા પણ પાછો આવેલ નથી. તેમની સાથે બે બાળકો તથા તેમની પત્ની હતી. તે પણ જોવામા આવતા નથી. બાદમાં પોલીસે ગુમ પરિવારની શોધ શરૂ કરી હતી. તુકારામ નારશીંગ માનકરને શોધી કાઢી, પ્રાથમીક પુછપરછ કરતા પોતાની પત્ની બાબતે ગલ્લા તલ્લા કરી, ખરી હકીકત છુપાવતો હોય જેથી વધુ પુછપરછ અર્થે અત્રે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરી, ક્રોસ વેરીફાઇ કરતા પુછપરછના અંતે મજકૂર ઇસમે ભાંગી પડી ગુન્હાની કબુલાત કરી હતી. જણાવેલ કે, મરણજનાર અજાણી સ્ત્રી પોતાની પત્ની કિલ્લું ગુંગાભાઇ માનકર હોવાનું અને પોતે જ પોતાની પત્નીને મારી નાખી ભાદરડેમના પાણીમાં નાખી રાતોરાત પોતાનો સામાન મૂકી બાળકો સાથે નીકળી ગયેલ હોવાની કબુલાત આપી હતી.
તુકારામ એ જણાવ્યું હતું કે, તેની પહેલી પત્ની લીલીબેન તેને છોડી જતી રહેલી. આ દરમ્યાન મજકુરની બહેનની નણંદ કિલ્લુનો પતિ મરણ પામ્યો હતો. જેથી બંનેએ લગ્ન કરેલા અને મજકુર પ્રથમ પત્નીના બે સંતાનો સાથે ગોંડલ તાલુકાના શીવરાજગઢ ખાતે મજુરીકામ કરતા હતા. ત્યારે બાજુમા પરેશભાઇ વોરાની વાડી આવેલા ત્યા મધ્યપ્રદેશમાં પોતાના વતન બાજુનો ચૈનસીંગ નામનો મંજૂર પણ રહેતો હતો. ત્યા ચેનસિંગ તથા કીલ્લુંને પ્રેમ સબંધ થઇ જતા દિવાળી નવા વર્ષની રાત્રીએ કિલ્લું જતી રહેલી. જેથી તે તેની પત્નીની શોધખોળ કરી રહ્યો હતો. તે દરમ્યાન તે પોતાની પત્ની કિલ્લુને ચેનસીંગ સાથે જોઇ જતા માથાકુટ થતા ચેનસીંગ ભાગી ગયેલો અને પૌતાની પત્નીને ઢીકાપાટુંથી તથા પથ્થર વડે માર મારી હત્યા કરી મોત નિપજાવી મૃતદેહને કોથળામાં પુરી રાત્રિના સમયે ભાદર નદીના કાંઠે લઇ જઇ, કોથળામાં પથ્થર નાખી ડેમના પાણીમાં નાખી દીધેલ હોવાની કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.