સતત સેવાકીય પ્રવૃત્તિની સાથે સંકળાયેલ શ્રી રામ યુવા ગ્રુપ ગોંડલ (વિદ્યામંદિર સ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ) દ્વારા અલગ અલગ વિસ્તારમાં જાહેર માર્ગ પર રહેતા અને જરૂરીયાતમંદ લોકોને ઠંડીથી બચવા ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા.
30 જેટલા યુવાનો પોતાના ખર્ચે ધાબળાની ખરીદી કરી
ગોંડલના શ્રી રામ ગ્રુપના 30 યુવાનો રોજિંદા પોતાની જોબ, બિઝનેસ પુરા કરી મોડીરાત્રીના સમયે ધાબળા વિતરણ કરવા નીકળ્યા હતા. યુવાનો ભાગે પડતા ખર્ચે ધાબળાની ખરીદી કરે છે. શહેરના કોલેજચોક, લીલાપીઠ, સિવિલ હોસ્પિટલ ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, માંડવી ચોક, રેલ્વેસ્ટેશન ચોક, સહિતના વિસ્તારોમાં 100 જેટલા ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા. ઠંડીથી ઠુંઠવાતાં જરૂરિયાત મંદોને ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા. આ ગ્રુપ દ્વારા કોરોનાના કપરા સમયમાં પણ લિંબુ સરબત બનાવીને હોસ્પિટલમાં સેવાભાવી સંસ્થાના લોકોને, પોલીસ કર્મચારીઓને, આરોગ્યકર્મીઓને સરબત પીવડાવવામાં આવ્યું હતું. તૌકતે વાવાઝોડા દરમિયાન ફૂડ પેકેટ અને સૂકા નાસ્તાના પેકેટ કરી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડ્યા હતા.
સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરવામાં આવી
ગ્રુપના સભ્યો અને શહેરીજનોને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ કરવામાં આવ્યો છે. જ્યાં પણ તમારા ધ્યાનમાં લોકો ઠંડીથી ધ્રુજતા હોય, ધાબળાની જરૂર હોય તેવા લોકો અમને 7069707070 પર ફોન કરીને જાણ કરી શકો છો. અમે ત્યાં સુધી ધાબળા પહોંચાડી આપશું એવો એક મેસેજ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.