ગોંડલ 73 વિધાનસભાના ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષના ઉમેદવારો બાઈક રેલી કાઢીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. રેલીમાં મોટી સંખ્યામાં પોતાના સમર્થકો એકત્ર કરીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. ભાજપની રેલી દાસીજીવણ પાર્ટી પ્લોટ, જેલચોક, કડીયા લાઈન થઈ મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. જ્યારે કોંગ્રેસની રેલી કોલેજચોકથી મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. બન્ને પક્ષના ઉમેદવાર એક સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. પહેલા ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસના ઉમેદવાર યતિષભાઈ દેસાઈએ ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, માર્કેટીંગ યાર્ડ અને નગરપાલિકા બંધ રાખીને તમામ કર્મચારીઓને રેલીમાં બોલાવવામાં આવ્યા હતા.
મોટી સંખ્યામાં ભવ્ય રેલી કચેરી સુધી પહોંચી
ગોંડલ 73 વિધાનસભાના ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં મોટી સંખ્યામાં બાઈક ચાલકો અને કારના કાફલા સાથે 3 કિલોમીટર સુધીની ભવ્ય રેલી સ્વરૂપે બેન્ડપાર્ટી અને ડી.જે. સાથે મોટી સંખ્યામાં સમર્થકો આવી પહોંચ્યા હતા. દાસીજીવણ પાર્ટી પ્લોટમાંથી રેલી શરૂ કરી, શહેરના મુખ્ય માર્ગો પર ફરી મામલતદાર કચેરી સુધી પહોંચી હતી.
જાડેજા પરિવારને વિધાનસભા બેઠકની આ છઠ્ઠી ટિકિટ મળવા પામી: ગીતાબા
ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાને બીજી વખત ભાજપની ટિકિટ મળવા પામી છે. તેઓ દ્વારા તેઓના નામાંકન પત્રમાં જંગમ મિલકત આશરે 46 લાખ રૂપિયાની દર્શાવવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષના રિટર્નમાં સરેરાશ 11 લાખ રૂપિયાની આવક દર્શાવાય છે. વર્ષ 17 અને 18માં નીલ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. તેઓ પાસે 10 લાખ રૂપિયાની એક કાર અને 250 ગ્રામ સોનુ તેમજ ખેતીવાડી હોવાનું જણાવ્યું હતું. ભાજપ દ્વારા તેઓને બીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે. જયરાજસિંહ જાડેજા પરિવારને વિધાનસભા બેઠકની આ છઠ્ઠી વખત ટિકિટ મળવા પામી છે. ત્યારે ગત વખતે તેઓ દ્વારા જંગમ મિલકત ઉપરોક્ત મુજબ જ દર્શાવવામાં આવી હતી. અલબત્ત છેલ્લા ચાર પાંચ વર્ષમાં કોઈ મોટી મિલકત ખરીદી ન હોવાનું જણાવ્યું હતું.
30 હજાર મતથી હું વિજેતા થઈશ: ગીતાબા
વધુમાં ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખુબજ મોટી સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો તેમજ આગેવાનોએ મને સમર્થન આપ્યું છે. એ સૌ લોકોની સાથે રહીને સાથે રાખીને વિકાસના કાર્યો કરવા તત્પર રહીશ. 30 હજાર મતથી હું વિજેતા થઈશ એવો મને અને મારા કાર્યકર્તાઓનો વિશ્વાસ છે.
ગાડીના કાફલા સાથે ફોર્મ ભર્યું
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર યતીશભાઇ દેસાઈ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઈ ખાટરિયા અને કોંગ્રેસના કાર્યકર્તા અને સમર્થકો ગાડીના કાફલા સાથે કોલેજચોકથી મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા અને ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર યતિશભાઈ દેસાઈએ છેલ્લા પાંચ વર્ષનો આઇટી રિટર્ન સરેરાશ 10 લાખ રૂપિયા દર્શાવ્યું છે. તેમના હાથ ઉપર રોકડા 12.50 લાખ અને એક ગાડી મળી કુલ જંગમ મિલકત 1 કરોડ 65 લાખ 25 હજાર દર્શાવવામાં આવી છે.
ગોંડલની સીટ કોંગ્રેસ પાર્ટી 100% જીતશે એવી મને ખાતરી છે: યતિશ દેસાઈ
કોંગ્રેસના ઉમેદવાર યતિશભાઈ દેસાઈ એ વધુમાં જણાવ્યું હતું કે, ગોંડલની સીટ કોંગ્રેસ પાર્ટી 100% જીતશે એવી મને ખાતરી છે. તમે જોઈ શકો છો કાર્યકરોમાં કેટલો ઉમંગ અને ઉત્સાહ છે. સામે પક્ષે શક્તિનું પ્રદર્શન છે અને અહીં લાગણીનું પ્રદર્શન છે. કોઈપણ લોભ અને લાલચ વગર અમારા કાર્યકર્તાઓ તન, મન અને ધનથી ધન ગણી રહ્યાં છે. સામાપક્ષે માત્રને માત્ર શક્તિનું પ્રદર્શન છે અને સતાનું પ્રદર્શન છે. આજે માર્કેટિંગ યાર્ડ પણ બંધ રખાવ્યું, નગરપાલિકાના તમામ કર્મચારીઓ બંધ રાખી રેલીમાં હાજર રહે તેવું પ્રદર્શન કર્યું છે, એ રાજ શક્તિનું પ્રદર્શન છે. અમે લોકશક્તિનું પ્રદર્શન કર્યું છે, હું નવ મતે જીતીશ તો પણ જીતીશ અને નવ હજાર મતે પણ હું જીતીશ એટલો મને વિશ્વાસ છે.
જીત સામાન્ય કાર્યકર્તા અને મતદારોની થવાની છે: અર્જુન ખાટરિયા
વધુમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઇ ખાટરિયા એ જણાવ્યું હતું કે, 73 વિધાનસભામાં કોંગ્રેસની જીત નિશ્ચિત છે. મુખ્ય બે હરીફો જે સ્પર્ધામાં હોય છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એ બંને સ્પર્ધકો છે. આમ આદમી પાર્ટી કદાચ ક્યાંક ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જેની નાની મોટી જગ્યા ઉપર પ્રભાવ હોઈ શકે પણ ગોંડલમાં કોઈપણ જગ્યાએ આમ આદમી પાર્ટીનો પ્રભાવ નથી. લોકોનો સમૂહ પણ એને ચાહતો નથી, લોકો ઉત્સાહપૂર્વક એને મળતા પણ નથી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વ્યક્તિઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે મતો પડ્યા છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના જે વિચારથી જોડાયેલા લોકો છે, એ હંમેશા એના જે મતો છે, એમાં ક્યાંય ફેરફાર નથી કરતા અને ગોંડલની પ્રજા ખૂબ હોશિયાર છે. બે પાર્ટી વચ્ચેની જે સ્પર્ધા છે એમાં યતિશભાઈ જેવા સનિષ્ઠ વ્યક્તિની પસંદગી કરશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં 60 હજાર મત અર્જુનભાઇ ખાટરિયાને મળ્યા હતા. જીતની આશા 100% નિશ્ચિત છે, જે કોંગ્રેસ પાર્ટીની થવાની છે, યતિશભાઈની થવાની છે, સામાન્ય કાર્યકર્તા અને મતદારોની થવાની છે.
કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા છે: અલ્પેશ ઢોલરીયા
માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી તરફથી આજે ગીતાબા જયરાજસિંહ જાડેજા એ ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછા 10થી 15 હજારની સંખ્યામાં સમર્થકો આવી પહોંચ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ એ રેલીની અંદર સવારે 15 મિનિટ હાજરી આપી હતી. બાકી ગોંડલ માર્કેટિંગ યાર્ડનું કામકાજ ચાલુ છે. કોંગ્રેસને તો 20-25 વર્ષથી આક્ષેપ કરવાની ટેવ પડી ગઈ છે. ગોંડલની અંદર નગરપાલિકા ચાલુ છે, તાલુકા પંચાયત ચાલુ છે અને માર્કેટીંગ યાર્ડ પણ ચાલુ છે. પણ ગોંડલનું ફોર્મ ભરવા માટે સમર્થકોમાં ઉત્સાહ હોઈ 10થી 15 હજાર સમર્થકો ઉમટી પડે તો કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો
પોલીસ દ્વારા ભાજપ અને કોંગ્રેસની બન્ને રેલીમાં અને મામલતદાર કચેરી ખાતે ગોંડલ શહેર અને તાલુકા પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.