ગુજરાત વિધાનસભાની બેઠકોમાં હાઈ પ્રોફાઈલ અને અત્યંત સંવેદનશીલ ગણાતી ગોંડલ બેઠક માટે ચૂંટણી જાહેર થઇ તે પહેલાંથી અને પછીથી ભારે ઉત્તેજનાસભર વાતાવરણ સર્જાયું છે અને આઠમીએ જ્યારે ઇવીએમ ખુલશે ત્યારે તેનો અંત આવશે. જો કે મતદાન ભલે આ વખતે ઓછું થયું, પરંતુ ભાજપ કોંગ્રેસ અને આપના મળીને ત્રણે ઉમેદવારો દ્વારા જીતની દાવેદારી કરવામાં આવી રહી છે. ઉમેદવારો, લોકો, કાર્યકરો શું વિચારે છે તે જાણવાનો ભાસ્કરે પ્રયાસ કર્યો હતો અને રસપ્રદ વિગતો સામે આવી હતી.
ભાજપના ઉમેદવાર ગીતાભા જયરાજસિંહ જાડેજાના પ્રતિનિધિ પ્રફુલભાઈ ટોળિયાએ જણાવ્યું હતું કે ભાજપની જીત વીસ હજાર મત ની લીડથી થશે તે નિશ્ચિત છે. તેનું કારણ એ છે કે ગોંડલ શહેર પંથકમાં ભાજપ દ્વારા વિકાસના અઢળક કામો કરવામાં આવ્યા છે. અને કાર્યકર્તાઓની બહોળી ફૌજ વિજય માટે સતત કાર્ય કરી રહી હતી અને દરેક કાર્યકરનું કામ સો ટકા સફળ થશે જ તેમાં મીનમેખ નથી.
કોંગ્રેસના ઉમેદવાર યતિશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસની જીત કમસેકમ 8000 મતથી ચોક્કસ થશે જ, કારણ કે મોંઘવારી અને ભાજપની ગુલબાંગોથી આમ પ્રજા પરેશાન થઈ ચૂકી છે જેના કારણે પ્રજાએ કોંગ્રેસને ખૂબ મત આપ્યા છે.
મતદાન ભલે ઓછું થયું પરંતુ લોકોએ અમને તક આપી છે એ નક્કી છે.આપના ઉમેદવાર નિમિષાબેન ખૂંટે જણાવ્યું હતું કે ગોંડલ બેઠક પર સો ટકા સાવરણો ફરી વળશે અને જીત ભલે માત્ર એક મતથી જ હોય પણ તે જીત ગણાશે જ. આ વખતે પરિવર્તન નિશ્ચિત છે. 5,000 થી પણ વધુ મતથી જીત થશે જેનું કારણ છે કે ભાજપને શહેરમાં ખૂબ ઓછા મત મળ્યા છે અને કોંગ્રેસને પણ શહેરમાં નુકસાની છે જ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.