ગોંડલના મોટીખીલોરી પાસે પુરપાટ ઝડપે આવતા દૂધના ટેન્કરે હડફેટે લેતા બાઈક ચાલક જગદીશભાઈ ખુંટનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત સર્જી નાસી છુટેલા ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
ફરિયાદી શામજીભાઈ પ્રેમજીભાઈ ખુંટ (રહે.મોટી ખીલોરી ગોંડલ)એ જણાવ્યા અનુસાર ગત રોજ તેઓ વાડી એ હતા ત્યારે સેઢા પડોશીએ આવીને જણાવ્યું કે તમારા નાનાભાઈ જગદીશભાઈ પ્રેમજીભાઈ ખુંટ (ઉ.34)ને ગામ પાસે સ્કૂલની બાજુમાં દુધના ટેન્કરની સાથે અકસ્માત નડ્યો છે. જે બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચતા જગદીશનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું.
જેમને ગોંડલ સિવિલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની જાણ થતા ગોંડલ પોલીસે સિવિલ દોડી આવી કાગળો કરી અક્સ્માત સર્જી નાસી છૂટેલા ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે મૃતક જગદીશભાઈ ગતરોજ તેમની મગફળીનો હિસાબ લેવા માટે ઘરેથી બાઈક GJ03ES2935 લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જતા હતા. ત્યારે ગામની નજીક આવેલી સ્કુલ પાસે GJ04X5440 એ અડફેટે લેતા દુર્ઘટના ઘટી હતી. મૃતક જગદીશભાઈ પાંચ ભાઈ બહેનમાં નાના હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેમને પીતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.