તંત્રની બેદરકારીએ વધુ એકનો જીવ લીધો:ગોંડલના કોલીથડ ગામ પાસે નદીના પુલ પરથી બાઈક સવાર 30 ફૂટ નીચે ખાબક્યો; ઘટનાસ્થળે મોત નિપજ્યું

ગોંડલ18 દિવસ પહેલા

મોરબી બાદ ગોંડલમાં તંત્રની બેદરકારીએ વધુ એક મોતની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલ તાલુકાના કોલીથડ ગામ પાસે નદીના પુલ પરથી બાઈક સવાર ખાબકતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ આખા પુલમાં બન્ને બાજુ દીવાલ નથી જેના કારણે આ દુર્ઘટના બની હતી.

અક્સ્માતમાં વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
ગોંડલ તાલુકાના કોલીથડ ગામ પાસે નદીના પુલ પરથી પસાર થતા 53 વર્ષીય કાવઠીયા બિપિનભાઈનું ઘટનાસ્થળે મોત થયું છે. મૃતક ખેતી કામ કરતા હતા. બીપીનભાઈને સંતાનમાં એક દિકરો અને એક દીકરી હોવાનું જાણવા મળેલ છે. મૃતક ખેતી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ઘરના આધાર સ્થંભનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બીપીનભાઈ ખેતરેથી ઘરે પરત જતા હતા, ત્યારે આ અક્સ્માત સર્જાયો હતો. જે બાદ મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે?
કોલીથડ ગામ પાસે આવેલ આશરે 15 ફૂટ પહોળાઈનો આ પુલ રાજાશાહી વખતનો છે. 2021 માં કોલીથડમાં પાણી આવ્યું હતું, ત્યારે પુલ ધરાશશી થયો હતો. ત્યારથી પુલ પાસે રેલિંગ કે દીવાલ નથી જેના કારણે અવારનવાર અકસ્માત થાય છે. અંદાજે 2 મહિના પહેલા 2 લોકો અકસ્માતે નદીમાં પડ્યા હતા, પણ પાણી વધારે હોવાને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. ત્યારે હવે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે. હાલ વહેલી તકે પુલની રેલિંગ કે દીવાલ કરે તેવી આસપાસના ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...