ટોલનાકાના કર્મચારીઓની ગુંડાગીરી:ભરૂડી ટોલનાકુ ફરી પાછું મારામારીના વિવાદમાં: એસટી બસના ડ્રાઇવરે સાઈડ ન આપતાં ત્રણ કર્મચારીઓએ લાફા ઝીંકી માર માર્યો

ગોંડલએક મહિનો પહેલા

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પરના ભરૂડી ટોલનાકાએ છાસવારે વાહનચાલકો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ સર્જાતી રહેતી હોય છે. દરમિયાન રાપર-જુનાગઢ એસટી રુટના ડ્રાઇવરને સાઈડ ન આપવા બાબતે ટોલનાકા પેટ્રોલિંગની બોલેરો ઝીપના ત્રણ કર્મચારીઓએ લાફા ઝીંકી માર મારી બસમાં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

ટોલનાકાના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકા પાસે રાપર જુનાગઢ રૂટની બસ નંબર GJ18Z 1359 લઈને ડ્રાઇવર કાળુજી વાઘુજી ઠાકોર પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમણે ભરૂડી ટોલનાકાની પેટ્રોલિંગની બોલેરો જીપ RJ01 UB 2909 લઈને પાછળ આવી રહેલા અશ્વિન પરબતભાઈ જાદવ, મલાઈ સૂર્યકાંત મિશ્રા પંડિત તેમજ હર્ષસિંહ ગુરુદેવસિંહ દરબારને સાઈડ ન આપતાં ત્રણેય રોષે ભરાયા હતા. જ્યાં ભરૂડી ટોલનાકે બસ ઉભી રહેતાં ત્યાં ડ્રાઇવર કાળુજી સાથે બોલાચાલી કરી લાફાઓ તેમજ મૂઢમાર મારી બસનો કાચ તોડી નાખી નુકશાન પહોચાડ્યું હતું. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ipc કલમ 332 427 186 તેમજ 114 મુજબ ગુનો નોંધ્યો હતો. હાલમાં આ અંગે પીએસઆઇ મહિપાલસિંહ ઝાલા, કોન્સ્ટેબલ અજયભાઈ ખાતાના તેમજ મુકેશભાઇ મકવાણાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...