ગોંડલ- રાજકોટ નેશનલ હાઈ-વે પર આવેલા ભરૂડી ટોલનાકા પાસે ફાસ્ટેગ રીચાર્જ કરવાનું કામ કરતાં યુવાન અને તેના મિત્ર ઉપર 10 શખ્સએ ધોકા-પાઈપથી હુમલો કરતાં રાયોટિંગનો ગુનો નોંધાયો છે. સર્વર ડાઉન હોવાથી ફાસ્ટેગ રીચાર્જ કરવાની ના પાડતાં શાપરનો શખ્સ તેની ટોળકી સાથે બોલેરોમાં ધસી આવ્યા હતા અને હથિયાર લઇ તુટી પડયા હતાં. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં રણછોડનગરમાં રહેતા અને મુળ જામકંડોરણાના સાતુદડ ગામના કેશરીસિંહ ઉર્ફે કાનભા ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.24) એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાપરના વિપુલ હકા માટીયા, ભુપત, મહેશ અને અજાણ્યા સાત શખ્સો હોવાનું જણાવ્યું છે.
હુમલો કર્યાની આ ફરિયાદમાં જણાવ્યા મુજબ કેશરીસિંહ ભરૂડી ટોલનાકા પાસે ફાસ્ટેગ રીચાર્જ કરવાનું કામ કરતાં હોય બપોરે પોતે ભરૂડી ટોલનાકા પાસે ભવાની હોટલ પાસે હતા ત્યારે આરોપી વિપુલ માટીયા તેની બોલેરો પીકઅપ ગાડી લઈ ફાસ્ટેગ રીચાર્જ કરાવવા આવેલો પરંતુ સર્વર ડાઉન હોવાથી મેસેજ આવતા ન હોય જેથી કેશરસિંહે રીચાર્જ કરવાની ના પાડતાં આરોપી વિપુલ કેશરીસિંહ અને તેના મિત્ર ઋતુરાજસિંહને ગાળો આપી માથાકુટ કરી જતો રહ્યો હતો.
ત્યારબાદ વિપુલ ગેરકાયદે મંડળી રચી અન્ય નવ શખ્સો સાથે ધોકા પાઈપ જેવા હથિયારો સાથે બોલેરોમાં ધસી આવ્યો હતો અને કેશરીસિંહ અને તેના મિત્ર ઋતુરાજસિંહ ઉપર હુમલો કરી હાથમાં પહેરેલા કડા વતી માથામાં માર મારતાં બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પીએસઆઈ એમ.જે.પરમારે તપાસ હાથ ધરી સીસીટીવી ફુટેજના આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.