ગોંડલ તાલુકાના ધુડસીયા ગામે પરિવારના મોટા પુત્રની બાપ દીકરાએ ધોકા મારી કરપીણ હત્યા નીપજાવ્યા બાદ તેનું હાર્ટ એટેકથી મોત થયાની કહાની ઘડી કાઢી અંતિમવિધિ પણ કરાવી નાખ્યા બાદ હત્યા થયાનું ફલિત થતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પિતા અને પુત્રએ હત્યા કરી
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ તાલુકાના ધુડસિયા ગામના રહેવાસી અને હાલ મેટોડા ખાતે બાલાજી ઇલેક્ટ્રોનિક કારખાનામાં કામ કરતા મેહુલભાઈ મહેશભાઈ મકવાણા ઉંમર વર્ષ 21એ તાલુકા પોલીસમાં પોતાના દાદા મોહનભાઈ અને કાકા રાજુભાઈ વિરુદ્ધ પોતાના પિતા મહેશભાઈની ધોકા મારી હત્યા નીપજાવી હોવાની ફરિયાદ નોંધાવી. તાલુકા પોલીસે આઈપીસી કલમ 302, 201, 114 તથા જીપીએફ કલમ 135 મુજબ ગુનોઅંધી તપાસ હાથ ધરી હતી.
ટ્રોલીમાં તેમના મૃતદેહને અમે ઘરે લાવ્યા
મેહુલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા કાકા રાજુભાઈનું મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તારા બાપુને હાર્ટ એટેક આવી જતા મરણ પામ્યા છે. તું જલ્દીથી ઘરે આવી જા એટલે હું ઘરે પહોંચ્યો હતો અને વાડીએ જઈને જોતા મારા પિતા ખાટલામાં ગોદડા ઉપર પડ્યા હતા. બાદમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં તેમના મૃતદેહને અમે ઘરે લાવ્યા હતા અને મારા પિતાની લાશ ઉતારી રૂમમાં રાખી હતી. ત્યારે તેને માથાના પાછળના ભાગે વાગેલું હોય અને લોહી નીકળતું હતું. ત્યારે મને તેના મોત અંગે શંકા થઈ હતી અને મેં દાદા અને કાકાને પૂછતા તેઓએ કહ્યું કે, તેને એટેક આવ્યોને પડી જતા માથામાં લાગ્યું હતું.
પાછળથી ધક્કો મારતા નીચે પડી ગયો
બાદમાં સગા સંબંધીઓએ એકઠા થઈ મારા પિતાની અંતિમવિધિ સ્મશાન ખાતે કરી હતી અને સ્મશાનેથી પરત આવ્યા બાદ મારા દાદાને ફરીથી પૂછતા તેઓએ કહ્યું હતું કે, ગઇ કાલ સાંજના આશરે સાતેક વાગ્યે હું અને તારો કાકો રાજુ બંને વાડીયે પાણી વાળતા હતા. ત્યારે તારો બાપુ દારૂ પી, ધોકો લઇ અમારી બાજુ આવેલો અને અમને જેમફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી તારા કાકા રાજુએ તારા બાપુને અપશબ્દો બોલવાની ના પાડતા તારા બાપુએ રાજુભાઈને માથાના ભાગે લાકડીનો ઘા મારી દેતા પડી ગયા અને બીજા ઘા મારવા જતાં હું દોડીને ત્યાં જઇ તારા બાપુને પાછળથી ધક્કો મારતા નીચે પડી ગયો હતો અને ફરીવાર અપશબ્દો બોલતા બોલતા ઉભો થતો હતો.
પિતાએ જ હત્યા કરી હોવાનું કબુલ્યું
જેથી અમને થયેલ કે તારો બાપુ અમારી સાથે માથાકુટ કરશે તેમ લાગતા મે તારા બાપુના હાથમાં રહેલો ધોકો આંચકી લઇ તારા બાપુને ધોકાના બે-ત્રણ ઘા માથામાં અને હાથમાં મારી દેતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું અને રાજુભાઇએ પણ બાજુમાંથી બડીકો લઇ બે ત્રણ ઘા મારેલા અને અમે ત્યાંથી અમે આવતા રહેલા. ત્યારબાદ રાત્રીના નવેક વાગ્યે તારા બાપુજી જયાં પડેલા હતા. ત્યાં જતા તારો બાપુ મરી ગયેલો હતો. જેથી અમે ત્યાંથી આવતા રહેલા અને ઘરે આવી તારા બાપુને હાર્ટએટેક આવતા મરણ પામ્યો છે. તેવી વાત કરેલી, પરંતુ ખરેખર તારો બાપુ અમારી સાથે અવાર નવાર દારૂ પી ઘરે આવી અપશબ્દો બોલી હેરાન પરેશાન કરતો હતો. મારામારી પણ અમારી સાથે કરતો હતો. જેથી અમે આવેશમાં આવી જતા તારા બાપુને માથાના ભાગે લાકડી ના ઘા મારતા ઇજા થતા મરણ પામ્યો છે, તેવું કબુલ્યું હતું. બનાવ અંગે તાલુકા પીએસઆઈ એમ.એચ. ઝાલાએ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.