ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી બાદ પ્રાંત અધિકારીની અચાનક અને આશ્ચર્યજનક બદલી થયા બાદ તેમની જગ્યાએ આઇએએસ કેડરના અધિકારીની નિમણુંક કરાઇ હતી, પરંતુ આ અધિકારી લાંબી રજા પર હોવાથી હાલ પ્રાંત કચેરી ધણીધોરી વગરની બનવા પામી છે. ચાર્જમાં રહેલા અધિકારી પર જિલ્લા કક્ષાની જવાબદારીઓ હોવાથી ગોંડલને ફુલ ટાઇમ ફાળવી શકતા ના હોય અરજદારોની હાલત કફોડી થવા પામી છે. અનેક પ્રશ્નો ટલ્લે ચડ્યા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.
ગોંડલ અને જેતપુર બન્ને ડિવિઝનના અનેક અરજદારોને ધક્કા ખાવા પડે છે
તત્કાલીન પ્રાંત અધિકારી કે.વી.બાટીની બદલી બાદ આસિસ્ટન્ટ કલેક્ટર અને આઇએએસ કેડરના કુ.દેવાહુતીની નિમણુંક કરાઇ છે, પરંતુ દોઢ માસથી કુ.દેવાહુતી રજા પર હોય તેઓનો ચાર્જ રાજકોટ મધ્યાન ભોજન ડે.કલેક્ટર સુથારને સોંપાયો છે. એમડીએમ તરીકે સુથાર પર જિલ્લા કક્ષાની જવાબદારીઓ પહેલેથી જ છે. ઉપરાંત ગોંડલ ડિવિઝનમાં જેતપુર પણ આવતું હોવાથી ગોંડલ ડિવિઝનની બબ્બે જવાબદારીઓ હોઈ આમ અનેક જવાબદારીઓ સંભાળતા આ અધિકારી સ્વાભાવીકપણે ગોંડલને પુરતો સમય ફાળવી શકતા ના હોવાથી અનેક પ્રશ્નો સર્જાયા છે. પ્રાંત અધિકારી ફુલટાઇમ કચેરીમાં ના હોવાથી અરજદારોને ધક્કા ખાવા પડે છે.
વિધાનસભાની ચુંટણી બાદ કે.વી.બાટી ની અચાનક કરાયેલી બદલીથી અનેક સસ્પેન્સ સર્જાયા
સુત્રો અનુસાર હાલ ચાર્જમાં રહેલા સુથાર અઠવાડીયામાં બે થી ત્રણ દિવસ ગોંડલ હાજરી આપી શકે છે. આવી જ હાલત જેતપુરની થઈ છે. જિલ્લામાં ગોંડલ મહત્વનું સેન્ટર છે. ત્યારે ફુલ ટાઇમ પ્રાંત અધિકારી હોવા જરુરી છે. ગુજરાત ભરમાં અતિ સંવેદનશીલ ગણાતી ગોંડલ વિધાનસભાની ચુંટણીમાં કાર્યક્ષમતા દાખવનારા પ્રાંત અધિકારી કે.વી.બાટીની ચુંટણીઓ બાદ અચાનક કરાયેલી બદલીથી પણ અનેક સસ્પેન્સ સર્જાયા હતા. હવે પ્રાંત કચેરી અધિકારી વિહોણી હોય અરજદારોની હાલત કફોડી થઈ છે. વહેલી તકે આ અંગે યોગ્ય નિર્ણય લેવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.