ગોંડલમાં પેરાલીસીસ જેવી અસાધ્ય બિમારીથી કંટાળી રમણીકભાઇ રાજ્યગુરુ નામના વૃધ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ગોંડલ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ આવાસ કોલોનીમાં રહેતા રમણીકલાલ કાંતિલાલ રાજયગુરૂ (ઉ.વ.65) એ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં બેભાન થઇ ઢળી પડયા હતા. જેમને તાત્કાલિક 108 મારફતે સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ગોંડલ પોલીસને જાણ થતાં રાજકોટ સીવીલે ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમમાં ખસેડીને આપઘાત અંગેનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.
મૃતકના પરીવારે જણાવ્યું હતું કે રમણીકભાઇ રાજ્યગુરૂ ને બે વર્ષ પહેલા પેરાલીસીસનો એટેક આવેલો હતો. જેમનાથી કંટાળીને અંતિમ પગલુ ભર્યુ હતું. મૃતક ડ્રાઇવીંગ કામ કરતા હતા તેમજ ચાર ભાઇ, બેનમાં મોટા હતા અને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.