કરુણાંતિકા:સગાઈ બાદ સાસરે આવેલી યુવતીનું વીજ શોકથી મોત

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા ઉમવાડામાં ઇલેક્ટ્રિક સગડી પર પાણી ગરમ કરતી વખતે મૃત્યુ
  • ભરથાર સાથે સાંસારિક જીવન માણવાના ઓરતાં અધૂરા રહ્યા

ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામે સગાઈના બંધને બંધાયેલી યુવતી હરખભેર થોડા સમયથી સાસરિયે રહેતી હતી અને એવામાં ત્યાં ઇલેક્ટ્રિક સગડી ઉપર પાણી ગરમ કરતી વેળાએ વીજ શોક લાગતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ભાવિ ભરથાર સાથે સાંસારિક જીવન માણવાના સ્વપ્નો હજુ તો પાંપણ પર રમી રહ્યા હતા.

એવામાં કાળ ઇલેક્ટ્રિક સગડી બનીને ત્રાટક્યો અને યુવતીની જીંદગીની દોર કાપતો ગયો. આ બનાવથી બન્ને પરિવાર સ્તબ્ધ બની ગયા હતા. નવ મહિના પહેલાં જ તેણીની સગાઇ થઇ હતી અને બન્ને પરિવાર લગ્નની તારીખ હવે પછી નક્કી કરવાના હતા એવામાં આ કરૂણ બનાવ બની ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોટા ઉમવાડા ગામે ભારતી અરવિંદભાઈ મકવાણા (ઉ.વ.16) ને સાસરે ઇલેક્ટ્રિક સગડી પર પાણી ગરમ કરતા સમયે વીજ શોક લાગતાં તેણીનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, બનાવ અંગે તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ ઇન્દુભા જાડેજા અને અલ્પેશભાઈ દામસિયાએ તપાસ હાથ ધરી હતી.

ભારતીની નવ મહિના પહેલા મોટા ઉમવાડા ગામમાં રહેતા અમૃત મહેશભાઈ સોલંકી (ઉ.વ. 20) નામના યુવાન સાથે સગાઈ થઈ હતી. થોડા સમયથી સાસરે રહેતી હતી, ભારતીનાં પિતા અરવિંદભાઈ છૂટક મજૂરી કામ કરે છે. ભારતી ભાઈ બહેનના પરિવારમાં મોટી હતી, અકાળે તેનું મોત નીપજતાં સાસરીયા અને પિયર પક્ષમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...