તંત્રની બેદરકારી:એકનો ભોગ લેવાયા બાદ તંત્રની આંખ ખૂલી, રાતોરાત રેલિંગ ફિટ કરી દીધી

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ તાલુકાના કોલીથડ પાસે નદીના પુલ પર દીવાલ પણ બનાવી દેવાઇ

મોરબી બાદ ગોંડલમાં તંત્રની બેદરકારીની વધુ એક મોતની ઘટના સામે આવી હતી. ગોંડલ તાલુકાના કોલીથડ ગામ પાસે નદીના પુલ પરથી બાઈક સવાર ખાબકતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કારણ કે આ આખા પુલમાં બન્ને બાજુ દીવાલ જ નહોતી. રાત્રીના રેલિંગનો તમામ માલ સામાન આવી ગયો હતો અને વહેલી સવારે રેલિંગ ફિટ કરવાનું કામ ચાલુ કર્યુ હતું. જેનો સીધો મતલબ એ થયો કે કોઇ માનવ જિંદગી અકાળે મુરઝાય જાય ત્યારે જ જાગવું એ પરંપરાને વળગી રહેવામાં જ તંત્ર શાણપણ સમજે છે.

ગોંડલના કોલીથડ ગામ પાસે આવેલો આશરે 15 ફૂટ પહોળાઈનો આ પુલ રાજાશાહી વખતનો છે. 2021માં કોલીથડમાં પાણી આવ્યું ત્યારે પુલ ધરાશાયી થયો હતો. ત્યારથી પુલ પર રેલિંગ કે દીવાલ નથી. જેના કારણે અવારનવાર અકસ્માત થતા હતા. જેમાં ખેતી કામ કરતા એક વ્યક્તિનું પણ આ પુલ પરથી નીચે પડતા તેમનું મૃત્યુ થયુ હતુ.

એ વખતથી કરવામાં આવેલી રજૂઆતો બાદ પણ તંત્ર જાગી ગયું હોત તો ગઇકાલે આધેડએ જીવ ગુમાવવો પડ્યો ન હોત. નોંધનીય છે કે ગતકાલે ગોંડલ તાલુકાના કોલીથડ ગામ પાસે નદીના પુલ પરથી પસાર થતા 53 વર્ષીય કાવઠીયા બિપિન ગોકળભાઈનું ઘટનાસ્થળે મોત થયું હતું. ચૂંટણીની મોસમ નજીક છે ત્યારે કોઇ ઉહાપોહ ન થાય તે માટે તંત્રએ રાતોરાત ડહાપણ દેખાડ્યું હતું અને રેલિંગ તેમજ દિવાલ પણ બનાવી દીધી હતી. લાગે છે કે ભૂલોની પરંપરા ત્યજવાની હિંમત હજુ તંત્રમા નથી.

અન્ય સમાચારો પણ છે...